બાઇક પર ડિલીવરી આપવા આવેલો મિત્ર અને ગાંજો વેચતો મિત્ર બંને પોલીસના સકંજામાં
નવસારી : નવસારીના આદિવાસી પટ્ટામાં ગાંજાનો વેપલો થતો હોવાની ફરિયાદોને આધારે સતર્ક થયેલી ખેરગામ પોલીસે બાતમીદારોને એક્ટિવ કરીને ખેરગામમાં ગાંજાનો વેપલો કરતા યુવાન સાથે ગાંજો આપવા આવેલા મિત્રને 5 હજારથી વધુના ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. પોલીસે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
ખેરગામ પોલીસે ગાંજા સાથે કુલ 50 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં નારકોટીક્સની પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સતર્ક થઇ છે અને #standstrongagainstdrugs કેમ્પેઇન હેઠળ કાર્યવાહી કરવાની સૂચના મળતા ખેરગામ પોલીસના PSI એમ. બી. ગામીત અને તેમની ટીમ નાર્કોટીક્સની બદી ડામવાના પ્રયાસમાં હતા. દરમિયાન PSI ગામીતને બાતમી મળી હતી કે, ખેરગામના પારસીવાડમાં જનતા સ્કૂલ પાસે રહેતો વિપ્રેશ ઉર્ફે ચકો જીગ્નેશ મોર્ય ગાંજાનો વેપલો કરે છે અને ચકાનો મિત્ર તથા વલસાડના અટગામ અતુલ ફળિયામાં રહેતો વાસુદેવ રમણલાલ જોશી ગાંજો લઇને ચકાને આપવા પારસીવાડ આવનાર છે. જે બાતમીને આધારે પોલીસે ફિલ્ડીંગ ગોઠવી હતી, એ દરમિયાન વાસુદેવ પોતાની બાઇક પર 5 હજાર 50 રૂપિયાનો 505 ગ્રામ ગાંજાનો જથ્થો લઇને ચકાને આપવા જતા પોલીસે બંને મિત્રોને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે વિપ્રેશ ઉર્ફે ચકો મોર્ય અને વાસુદેવ જોશીની ધરપકડ કરી, ઘટના સ્થળેથી ગાંજા સાથે 45 હજાર રૂપિયાની બાઇક અને 500 રૂપિયાના મોબાઈલ ફોન મળીને કુલ 50,550 રૂપયાનો મુદ્દામાલ કબ્જે કરી, ખેરગામ પોલીસ મથકે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.