મહાજન પેનલની વિકાસની વાતો સામે વિકાસ પેનલની ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાએ લઇ જવાની તમન્ના
નવસારી : નવસારીના વેપારી અને ઉદ્યોગકારો માટે મહત્વની સંસ્થા એટલે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ અને તેમની ટીમ માટેની ચુંટણી આવતી કાલે યોજાશે. 10 વર્ષો બાદ યોજાવા જઈ રહેલી ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી ભારે રસાકસી પૂર્ણ રહેવાની છે. ત્યારે અંતિમ દિવસોમાં ચુંટણી લડવા જઈ રહેલી બંને પેનલોના ઉમેદવારોએ મતદારોને રીઝવવાના પ્રયાસો આરંભ્યા છે.
વર્ષોથી સુમેળ સાધી ટાળવામાં આવતી હતી ચુંટણી, આ વખતે જામશે રસાકસીનો જંગ
નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી પોતાના સભાસદો વચ્ચે સુમેળ સાધીને ચુંટણી ટાળવામાં આવતી હતી. ચેમ્બરના પૂર્વ પ્રમુખો અને આગેવાનો દ્વારા પેનલના નામ નક્કી કરી, બિનહરીફ ઉમેદવારો ઘોષિત કરવામાં આવતા હતા. પરંતુ વર્ષોથી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ હોવા છતાં નિષ્ક્રિય હોય એવી સ્થિતિ બની હતી. શહેરમાં વર્ષોથી વેપાર ધંધો કરતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ પણ ચેમ્બરના નવા સભાસદ બન્યા ન હોય એવી પણ સ્થિતિ છે. જોકે ગત બે વર્ષોમાં બિલ્ડર ભરત સુખડીયાની ચેમ્બરના પ્રમુખ પદે નિયુક્તિ થતા ચેમ્બર ઓફ કોમર્સને જીવંત કરવાનો પ્રયાસ થયો હતો, સાથે જ ચેમ્બરનાં નવા ભવન માટે જમીન લેવાની તૈયારી પણ કરી લીધી હતી. જોકે કાર્યકાળ પૂર્ણ થતા ચેમ્બરના નવા પ્રમુખ અને તેમની ટીમ પરંપરા મુજબ તમામ સભાસદો વચ્ચે સુમેળ સાધીને જાહેર કરવાના પ્રયાસો થયા. પરંતુ ચુંટણી ટાળવાના પ્રયાસો નિષ્ફળ રહેતા અંતે આ વર્ષે હીરા ઉદ્યમી રાજેન્દ્ર દેરાસરિયાની મહાજન પેનલ અને સીએ વિનોદ દેસાઈની વિકાસ પેનલ વચ્ચે રસાકસી ભર્યો ચુંટણી જંગ જામશે.
મહાનગર બનવા ઉત્સુક નવસારીમાં વેપારીઓ અને ઉદ્યમીઓની સંખ્યા વધી, પણ ચેમ્બરમાં સભાસદ ઓછા
નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વર્ષોથી કાર્યરત છે. પરંતુ ચેમ્બર દ્વારા વેપારીઓના પ્રશ્નો મુદ્દે કોઈ મહત્વપૂણ કામગીરી કરી ન હોવાની વેપારી આલમમાં ફરિયાદો રહી છે. ખુદ ચેમ્બર ઓફ કોમર્સનું વ્યવસ્થિત મકાન પણ ચેમ્બરના કર્તાધર્તાઓ વર્ષોના પ્રયાસો બાદ પણ બનાવી શક્યા નથી. નવસારી શહેર અને જિલ્લામાં વેપારીઓ, ધંધાર્થીઓ, ઉદ્યોગપતિઓ, એન્ત્રોપીન્યોર સહિત અન્ય પ્રોફેશનલ્સની સંખ્યા પણ વધી છે, પરંતુ ચેમ્બરમાં ફક્ત 1800 જ સભાસદો છે, જેથી નવસારી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, સાથે જ વાસી ગામે PM મિત્રા પાર્ક સ્થપાવા જઈ રહ્યો છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના નવા સત્તાધીશો નવસારીને વેપાર ઉદ્યોગમાં નવી દિશા તેમજ ઉંચાઈ અપાવે એવી આશા સેવાઈ રહી છે.
ચુંટણી મેદાનમાં ઉતરેલી મહાજન પેનલમાં પ્રમુખ પદ માટે હીરા ઉદ્યમી રાજેન્દ્ર દેરાસરીયાએ ઉમેદવારી કરી છે. જેમની સાથે પૂર્વ પ્રમુખ ભરત સુખડીયા અને અન્ય આગેવાનોની ટીમનો સપોર્ટ છે. મહાજન પેનલ દ્વારા ચુંટણીના એજન્ડામાં મુખ્ય કામ ચેમ્બરના નવા ભવનના નિર્માણનું રાખવામાં આવ્યુ છે. જેની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને નવસારી રેલ્વે સ્ટેશને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ મુદ્દે પડતી મુશ્કેલીને ધ્યાને રાખી ટ્રેન કનેક્ટીવીટી વધુ મળે તેમજ વેપારીઓની સમસ્યા, રજૂઆતોને યોગ્ય સ્થાને મુકી સફળ કામગીરીની બાંહેધરી આપી છે. જોકે ભાજપ સામે ભાજપની જંગની ચર્ચાઓને મહાજન પેનલે રદિયો આપી, વેપારીઓના વિકાસ માટે જ પૂર્વ પ્રમુખો અને આગેવાનોના સહયોગથી બનેલી પેનલ ચુંટણીમાં જીત મેળવશેનો આશાવાદ વ્યકત કરાયો હતો.
ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણીમાં સામે પક્ષે વિકાસ પેનલ શહેરના વેપારીઓ, દુકાનદારો, ઉદ્યોગપતિઓને રૂબરૂ મળીને તેમના વિઝનને દર્શાવી મત માંગી રહી છે. સાથે જ વિકાસ પેનલે તેમના એજન્ડામાં પ્રથમ સભાસદોની સંખ્યા વધારી સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરવાનો મુદ્દો રાખ્યો છે. સાથે જ યુવા, મહિલા અને NRI વિંગ બનાવી નવસારીના વેપારી અને ઉદ્યોગકારોને દેશ અને દુનિયામાં સફળતા મળે એવા પ્રયાસો, ઓદ્યોગિક ટૂર થકી નવા ઉદ્યોગોને પ્રોત્સાહન, સરકારી યોજનાઓ સભાસદો સુધી પહોંચાડી એમના ઉદ્યોગનો વિકાસ કરવાના પ્રયાસ, ચેમ્બરના મુખપત્ર સુરક્ષાના નિયમત પ્રકાશન, વન ડીસ્ટ્રીકટ વન પ્રોડક્ટ હેઠળ વિવિધ પ્રોડક્ટનો અભ્યાસ કરી, બજાર આપવાનો પ્રયાસને પ્રાધાન્ય આપશે. જયારે નવસારી મહાનગરપાલિકા બની રહી છે, ત્યારે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની તર્જ પર સરકારમાંથી યોગ્ય ગ્રાન્ટ મેળવી વેપારીઓના વિકાસ માટેના સફળ પ્રયાસો કરશે. સાથે જ વેપારીઓની ટેક્ષ, GST વગેરેની સમસ્યામાં પણ યોગ્ય સ્તરે રજૂઆતો કરીને ટેક્ષ ભરવામાં પડતી મુશ્કેલીઓને નિવારવા માટેના પ્રયાસો કરવાની પણ તૈયારી દર્શાવી છે.
નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને મજબૂત કરવાની જરૂર
નવસારી વેપાર, ઉદ્યોગ માટે યોગ્ય ન હોવાના ટોણા સામે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા મજબૂત બને એના પ્રયાસો થવા જરૂરી છે. ત્યારે વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં સભાસદો મહાજન પેનલ કે વિકાસ પેનલ ઉપર વિશ્વાસ મુકે છે એ કાલે ચુંટણી પરિણામ બાદ જ ખબર પડશે.