જિલ્લા પંચાયત પ્રમુખે 290.04 કરોડની પુરાંત વાળું વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું
નવસારી : નવસારી જિલ્લા પંચાયતમાં આજે નજીવી આવક સામે મોટી સરકારી ગ્રાન્ટને આધારે વર્ષ 2024-25 નું 1198.13 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં હતુ. વર્ષના અંતે 290.04 કરોડની પુરાંત વાળા બજેટને પ્રમુખ પરેશ દેસાઈએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેનું બજેટ ગણાવ્યુ હતુ.
વર્ષોથી ઓછી આવક સામે મોટી સરકારી ગ્રાન્ટ મેળવવાની નવસારી જિલ્લા પંચાયતનું બજેટ રજૂ થતું આવ્યું છે. આજે 2024-25 ના વર્ષ માટે રજૂ કરવામાં અંદાજ પત્રમાં જિલ્લા પંચાયતની 26.57 લાખ રૂપિયાની સ્વ આવક સામે પંચાયતે સરકારમાંથી 1127.13 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવાની આશા સેવી છે, જેને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા આજે પંચાયતના સભાખંડમાં મળેલી બજેટ સભામાં નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25 માટે 1198.13 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. 290.04 કરોડની પુરાંત સાથેના આ બજેટમાં જિલ્લા પંચયાતને 44.42 કરોડ રૂપિયાનું દેવું પણ છે.
આવક સામે મહત્વના આ વિભાગોમાં ખર્ચાશે રૂપિયા
નવસારી જિલ્લા પંચાયત દ્વારા પોતાની આવકમાંથી સૌથી વધુ 3.25 કરોડ રૂપિયા બજેટ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવ્યુ છે. જેમાં પણ સ્વચ્છતા અભિયાન પાછળ વધુ 1 કરોડ રૂપિયા સમગ્ર વર્ષ દરમિયાન ખર્ચવામાં આવશે. સાથે જ જાહેર બાંધકામ પાછળ 2.15 કરોડ, પોષણ અભિયાન પાછળ 2.36 કરોડ, સિંચાઈ પાછળ 1.50 કરોડ, ખેતીવાડી પાછળ 1.32 કરોડ, શિક્ષણ પાછળ 93 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ખાસ કરીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 65 લાખ રૂપિયા અને નેચરલ ફાર્મિંગ હબ ડેવલોપમેન્ટ એટ નાની ભમતી ફાર્મ ફેઝ 2 માટે 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
નવસારી જિલ્લા પંચાયતનાં આજની બજેટ સભામાં વિપક્ષ ન હોવા બરાબર હોવાથી બજેટ ઉપર કોઈ ખાસ ચર્ચા થઇ ન હતી. થોડી મિનિટોમાં જ બજેટ ઉપર પંચાયતના તમામ સભ્યોએ મંજૂરીની મહોર મારી દીધી હતી. ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું અને જિલ્લાની મહત્વની સમસ્યાનાં સમાધાન માટે કારગર રહેશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ખેડૂતોની પાણી સમસ્યાના સમાધાન માટે નદીમાંથી વહી જતા પાણીને રોકવા ચેકડેમ બનાવવા તેમજ પાણી પુરવઠા અને વાસ્મો સાથે સંયુક્ત રીતે દમણ ગંગા પ્રોજેક્ટ વહેલો પુરો થાય એના પ્રયાસો કરીશું. ખાસ કરીને ચેકડેમના દરવાજા માટે પણ અલગ રૂપિયા ફાળવ્યા છે. જેથી દરેક ક્ષેત્રમાં રૂપિયા ફાળવી જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે આદર્શ જિલ્લો બનાવવા માટેનો પ્રયાસ રહેશે.
નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25 નું 1198.13 કરોડનું જંગી બજેટ થયુ રજૂ