દક્ષિણ-ગુજરાત

પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓ ઉપર અત્યાચારનો ભાજપે નોંધાવ્યો વિરોધ

Published

on

નવસારી ભાજપનાં મહિલા મોર્ચાએ કરી TMC નેતાને કડક સજા કરવાની માંગ

નવસારી : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMC નેતા શાહજહાં શેખના રાશન કૌભાંડમાં ઇડીની કાર્યવાહી બાદ સ્થાનિક મહિલાઓ ઉપર થયેલા અત્યાચાર અને જમીન પચાવી પાડવાની ફરિયાદોએ સમગ્ર દેશને હલાવી નાંખ્યો છે. ત્યારે આજે નવસારી ભાજપ મહિલા મોર્ચા દ્વારા TMC નેતા અને તેના સમર્થકો દ્વારા મહિલાઓ ઉપર કરવામાં આવેલા અત્યાચાર સામે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવા છતાં અસંવેદનશીલ હોવાના આક્ષેપો લગાવ્યા હતા.

ભાજપી મહિલાઓએ સુત્રોચ્ચાર કરી, આક્રોશ સાથે નોંધાવ્યો વિરોધ

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની સરકાર છે અને રાજ્યના સંદેશખાલી વિસ્તારમાં TMC નેતા શાહજહાં શેખ દ્વારા રાશન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનુ સામે આવતા ભારત સરકારના પ્રવર્તન નિર્દેશાલય ED દ્વારા ગત 5 જાન્યુઆરીના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ED શાહજહાં શેખ સુધી પહોંચે એ પૂર્વે એ ભાગી છૂટ્યો હતો. જોકે બાદમાં સ્થાનિક મહિલાઓ દ્વારા હિંમત દાખવી શાહજહાં શેખ અને તેના સમર્થકોએ તેમના પર આચરેલા અત્યાચાર અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા અને કોલકાતા હાઈકોર્ટે સ્થાનિક પોલીસને લપડાક લગાવી હતી. ત્યારબાદ ગત ગુરૂવારે બંગાળ પોલીસે શાહજહાં શેખને પકડી પાડ્યો છે, જોકે આ દરમિયાન ભાજપે સંદેશખાલીમાં મહિલાઓ ઉપર TMC નેતા અને તેના સમર્થકો દ્વારા કરેલા અત્યાચારને વખોડી રાષ્ટ્રવ્યાપી વિરોધ નોંધાવ્યો છે. જેમાં આજે નવસારી જિલ્લા ભાજપ મહિલા મોર્ચા દ્વારા નવસારી વિજલપોર નગર પાલિકા બહાર ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના પ્રદેશ મંત્રી શિતલ સોનીએ પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખના મહિલાઓ ઉપર કરેલા અત્યાચારને વખોડી, તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલા હોવા છતાં, મહિલાઓને ન્યાય અપાવવાને બદલે તેમના નેતાને છાવરતા હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા.

TMC વિરૂદ્ધ નવસારી ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન

Click to comment

Trending

Exit mobile version