ગુજરાત

ચુંટણી ઢંઢેરો બનાવવા પહેલા ભાજપ લોકોના સૂચનો સાંભળશે

Published

on

નવસારીમાં મોદીની ગેરેંટી અને સંકલ્પપત્ર અભિયાન હેઠળ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ લેશે સૂચનો

નવસારી : લોકસભા ચુંટણી 2024 ના પડઘમ વાગી ચુક્યા છે, જેમાં અન્ય પક્ષો કરતા ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે મતદારોને પોતાને પક્ષે કરવા મંડી પડી છે. ત્યારે ચુંટણી હજી જાહેર નથી થઇ, એ પૂર્વે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, સાથે જ ચુંટણીનો ઢંઢેરો જાહેર કરવા પૂર્વે મોદી સરકારની 10 વર્ષોની કામગીરી લોકો સુધી પહોંચાડી વિકસિત ભારત બનાવવા કેવા આયોજનો હોવા જોઈએ, એ માટે કાર્યકરો મતદારો વચ્ચે પહોંચીને તેમના સૂચનો મેળવીને કેન્દ્રીય સ્તરે પહોંચાડશે.

પોસ્ટકાર્ડ, મોબાઈલ નંબર, નમો એપ અને ઇમેઇલ થકી મેળવાશે સૂચનો

લોકસભા ચુંટણીને લઇને રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો 5 લાખ મતોની લીડથી જીતવાની રણનીતિ સાથે ચુંટણી મેદાનમાં ઉતરેલી ભાજપ મતદારો સુધી પહોંચવા અને 10 વર્ષોની મોદી સરકારની ઉપલબ્ધી ઘર ઘર સુધી પહોંચાડવા માટેનાં આયોજનમાં મંડી પડી છે. જેમાં આજથી ભાજપ દ્વારા વિકસિત ભારત, વિકસિત ગુજરાત નારા સાથે સંકલ્પપત્ર અભિયાન અને મોદીની ગેરેંટી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 25 નવસારી લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આગામી લોકસભા ચુંટણીનો ચુંટણી ઢંઢેરો જાહેર કરવા પૂર્વે ભાજપ દ્વારા લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જયારે ભારતને વિકાસ પથ પર આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, ત્યારે લોકો ભારતના વિકાસ માટે સૂચનો આપે એવા પ્રયાસોના ભાગ રૂપે સંકલ્પ પત્ર અભિયાન છેડાયું છે. જેમાં ભાજપી કાર્યકર્તાઓ એક સંકલ્પ પેટી તેમજ પોસ્ટકાર્ડ લઇને લોકોના ઘર સુધી પહોંચશે અને તેમના સૂચનો મેળવશે. જેની સાથે જ ભાજપ દ્વારા એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના ઉપર મિસ્ડ કોલ કર્યા બાદ પરત ફોન આવશે, જેના 30 સેકન્ડ બાદ લોકો પોતાનું સુચન રેકર્ડ કરી શકશે. ભાજપ દ્વારા જાહેર કરેલી નમો મોબાઈલ એપ્લીકેશનમાં પણ સુચન માટે એક અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ લોકો ઇમેઇલ થકી પણ પોતાના સૂચનો ભાજપને મોકલી શકશે. સમગ્ર ભારતમાં સંકલ્પપત્ર અભિયાન થકી ઓછામાં ઓછા 1 કરોડ લોકોના સૂચનો મેળવીને તેને કેન્દ્રીય કાર્યાલય ખાતે પહોંચાડાશે. જેના આધારે ભાજપ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કરશે. આ

બે ડિજીટલ વેન પણ લોકસભા વિસ્તારમાં મોદી સરકારની યોજનાની આપશે માહિતી 

નવસારી લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભા વિસ્તાર માટે ભાજપ દ્વારા બે ડિજીટલ વેન પણ ફાળવવામાં આવી છે. આ વેન સમગ્ર લોકસભા વિસ્તારમાં ફરશે અને તેના થકી મોદીની ગેરેંટી અભિયાન હેઠળ લોકોને મોદી સરકાર દ્વારા લોકહિતની યોજનાઓ તેમજ મોદી સરકાર દ્વારા કારવામાં આવેલી વિશેષ કામગીરીની માહિતી આપવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ભાજપી આગેવાનો રહ્યા ઉપસ્થિત 

પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના લોકસભાના પ્રભારી, ઇન્ચાર્જ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી ભાજપે સંકલ્પ પત્ર અભિયાનનો કર્યો પ્રારંભ

Click to comment

Trending

Exit mobile version