અપરાધ

7 મહિનાથી ગુમ દેગામના યુવાનનું સુંઠવાડના ખેતરમાંથી હાડપિંજર મળ્યુ

Published

on

શેરડીના ખેતરમાંથી હાડપિંજર પાસેથી મળેલા કપડા, મોબાઈલ પરથી થઇ ઓળખ

નવસારી : 7 મહિના અગાઉ ચીખલીના દેગામ ગામનો 28 વર્ષીય યુવાન અડધી રાતે કોઈને કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ ક્યાય પત્તો ન લાગ્યો, પણ ગત રોજ નજીકના સુંઠવાડ ગામે શેરડીના ખેતરમાં કાપણી દરમિયાન મળેલા હાડપીંજર પાસેથી મળેલા મોબાઈલ, કપડાથી તેની દેગામના ગુમ યુવાન તરીકે ઓળખ થઇ હતી, ચીખલી પોલીસે મિતેશની મોત ક્યા કારણોથી થઇ એને લઇને તપાસ આરંભી છે.

અડધી રાત્રે દિકરો અચાનક ક્યાંક જતો રહ્યો, મહિનાઓ સુધી શોધખોળ કરવા છતાં ન મળ્યો

નવસારીના ચીખલી તાલુકાના દેગામ ગામે રહેતો 28 વર્ષીય મિતેશ મહેશ પટેલ કવોરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જેના થોડા મહિના અગાઉ જ લગ્ન થયા હતા. પરંતુ અચાન 8 મહિના પહેલા મિતેશની પત્ની તેના પિયર ગઈ હતી, એ દરમિયાન ગત 18 ઓગસ્ટ 2023 ની રાત્રીએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ મોડી રાતે 12 વાગ્યા બાદ મિતેશ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. સવારે ઉઠીને જયારે પિતા મહેશભાઈ તેમજ અન્યોએ મિતેશને ન જોયો તો તેની શોધખોળ આરંભી હતી. પરંતુ મિતેશનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. ઘરેથી ગયા બાદ મિતેશ ક્યારેય ઘરે કે ગામમાં પરત ફર્યો ન હતો, પરંતુ ઘણા લોકોએ તેને આજુબાજુના ગામડાઓમાં ખેતરોની આસપાસ ફરતો જોયો હોવાની ચર્ચા છે.

પરિવારે એકનો એક દિકરો ગુમાવ્યો, પોલીસે હાડપિંજરને FSL માં મોકલ્યુ  

દરમિયાન અચાનક ગત રોજ નજીકના જ સુંઠવાડ ગામના શેરડીના ખેતરે કાપણી કરી રહેલા મજૂરોને ખેતરમાં હાડપિંજર જણાતા તેમણે ખેડૂતને જાણ કરી હતી. ખેતરમાંથી હાડપિંજર મળ્યાની જાણ ગામ આગેવાનો અને આસપાસના ગામોના સરપંચો તથા ચીખલી પોલીસને થઇ હતી. સાથે જ મિતેશના પિતાને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. હાડપિંજર પાસેથી કપડા, મોબાઈલ અને તમાકુ ચુનાની ડબ્બી પણ મળી હતી, જેને જોઇને મહેશભાઈ ભાંગી પડ્યા હતા, કારણ જુવાનજોધ અને ઘડપણનો સહારો એવો એકના એક દીકરાના જ કપડા હતા. હાડપિંજર પાસેથી મળેલી તમામ વસ્તુઓ મિતેશની જ હોવાની ઓળખ થતા ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. સાથે જ હાડપિંજરને સુરત FSL ખાતે મોકલી DNA ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ જુવાન પુત્રને ખોવાથી મહેશભાઈ ભાંગી પડ્યા છે, મિતેશની પત્ની પતિને ખોવાના ગામમાં સુધબુધ ખોઈ બેથી છે, ત્યારે મિતેશનાં મોત અંગેની સાચી હકીકત પોલીસ શોધી કાઢે એવી આશા તેનો પરિવાર સેવી રહ્યો છે.

Click to comment

Trending

Exit mobile version