નવસારી : લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચુંટણી પૂર્વે ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નેશનલ હાઇવે નં. 48 પર નવસારીની નવજીવન હોટલ પાસેથી 50.40 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. સાથે જ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી કુલ 60.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી, શરૂ કરી તપાસ
નેશનલ હાઈવે નં. 48 પરથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. જેને રોકવામાં ક્યારેક પોલીસ સફળ થાય છે, પરંતુ મોટાભાગનો દારૂ ખેપીયાઓ કોઈકને કોઈક પ્રકારે તેના ગંતવ્ય સુધી પહોંચાડવામાં સફળ રહે છે. ત્યારે આજે વહેલી સવારે ગુજરાત પોલીસની SMC ની ટીમેં મળેલી બાતમીને આધારે નેશનલ હાઈવે નં. 48 પર ફોલ્ડીંગ ગોઠવી 50.40 લાખ રૂપિયાની વ્હીસ્કીની 5 હજારથી વધુ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક ફારુક મોઈલાની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં ટેમ્પોને આગળ અલ્લારખા નામનો ઇસમ પાઈલોટીંગ કરી રહ્યો હતો, જયારે વિદેશી દારૂનો ગોવાથી ભરાવી આપવામાં આવ્યો હતો, જેને દાહોદ જિલ્લાના હાલોલ ખાતે પહોંચાડવાનો હતો. જેથી પોલીસે અલ્લારખા સહિત ટેમ્પો માલિક, ગોવાથી દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર મળી 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો, 1 મોબાઈલ ફોન મળીને કુલ 60.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા નવસારી પોલીસે તપાસ આરંભી છે.