ગુજરાત

નવસારી લોકસભા બેઠક ઉપર સી. આર. પાટીલની સામે મુમતાઝ પટેલ લડી શકે છે ચુંટણી

Published

on

નવસારી લોકસભામાં સ્કાય લેબ આવવાની સંભાવના જોતા કોંગી કાર્યકરોમાં વિરોધના સૂર

નવસારી : સમગ્ર રાજ્યમાં 25 નવસારી લોકસભા બેઠક ઉપર સૌની નજર છે. ગત ટર્મમાં કોંગી ઉમેદવારને 6.89 લાખ મતોની લીડથી હરાવનારા ભાજપના સી. આર. પાટીલ ફરી ચુંટણી મેદાનમાં છે, જેમની સામે મજબૂત ઉમેદવાર ઉતારવાની મથામણમાં હજી કોંગ્રેસ તેના ઉમેદવારનું નામ જાહેર કરી શકી નથી. જોકે છેલ્લા બેથી ત્રણ દિવસોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલનાં દિકરી મુમતાઝ પટેલ નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર બની શકેની ચર્ચાઓ વહેતી થતા, સ્થાનિક આગેવાનોમાં કચવાટ ઉઠવા પામ્યો છે. સાથે જ નવસારી ઉપર સ્થાનિક અને સંગઠનના મજબૂત ચહેરા ઉપર મોવડી મંડળ પસંદગી ઉતારે એવી વાતો સાથે મુમતાઝ પટેલ માટે વિરોધના સૂર છેડાયા છે.

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આડકતરી રીતે વિરોધ દર્શાવી, પાર્ટીના આદેશની વાતને આગળ ધરી

લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે. ભાજપે ગુજરાતની ગણતરીની બેઠકો છોડી તમામ લોકસભા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ કોંગ્રેસમાં હજી પણ મડાગાંઠ છૂટી નથી. ખાસ કરીને 25 નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ સી. આર. પાટીલની સામે સક્ષમ ઉમેદવારની શોધ ચાલી રહી છે. ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ સતત ત્રણ ટર્મથી નવસારીના સાંસદ રહ્યા છે અને ત્રણેય ટર્મમાં કોંગી ઉમેદવારને પછડાટ આપવામાં સફળ રહ્યા છે. ગત 2019 ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના ધર્મેશ પટેલને 6.89 લાખ મતોથી કારમી હાર આપી હતી. જેથી આ વખતે કોગ્રેસ તેમને મજબૂત ટક્કર આપી શકે એવો મુરતિયો ઉતારવાના પ્રયાસમાં છે, સુરત અને નવસારીના કોંગ્રેસી આગેવાનોની અનેક બેઠકો બાદ પણ નવસારી લોકસભાના ઉમેદવારનું નામ નક્કી નથી થયુ. ત્યારે ગત બે ત્રણ દિવસોથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. એહમદ પટેલના દિકરી મુમતાઝ પટેલ નવસારીથી ચુંટણી મેદાનમાં ઉતરે એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જ્યાં મુમતાઝ પટેલ ભરૂચ બેઠક આપના ચૈતર વસાવાને ફાળે જતા નારાજ હતા, ત્યાં નવસારી બેઠક ઉપર તેમનું નામ ચર્ચામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં વિરોધ વ્યાપ્યો છે.

પાર્ટીનો આદેશ હશે તો મુમતાઝ પટેલની આગેવાનીમાં ખભેથી ખભા મેળવીને ચુંટણી લડીશું, જોકે સ્થાનિક સંગઠનમાંથી પસંદગી ઉતારવામાં આવે એવી રજૂઆત – શૈલેશ પટેલ

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ સાથે નવસારી લોકસભા બેઠક ઉપર મુમતાઝ પટેલની પસંદગી મુદ્દે hexilon.in ની વાતચીત દરમિયાન તેમણે આડકતરી રીતે વિરોધ દર્શાવ્યો હતો. શૈલેશ પટેલે કહ્યુ કે, મુમતાઝ પટેલનું ભવિષ્ય ઉજળુ છે, તેમને રાષ્ટ્રીય લેવલે નવી જવાબદારીઓ મળી શકે છે, ત્યારે નવસારીમાંથી ચુંટણી લડવું કે નહીં, એ તેઓ વિચારશે. જોકે મોવડી મંડળ કહેશે કે, મુમતાઝ પટેલની આગેવાનીમાં ચુંટણી લડવાની છે, તો અમે ખભેથી ખભા મેળવીને સી. આર. પાટીલને હરાવવા ચુંટણી લડીશું. પરંતુ સુરત અને નવસારીના કોંગી આગેવાનોની બેઠકમાં સ્થાનિક અને મજબૂત કાર્યકરને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવે એવી રજૂઆત મોવડી મંડળ સુધી થઇ છે. જયારે શૈલેશ પટેલને ઉમેદવાર બનાવવામાં આવે તો…? પ્રશ્નના જવાબમાં તેમણે પાર્ટી જે જવાબદારી આપશે એને નિભાવવાની તૈયારી દર્શાવી હતી.

Click to comment

Trending

Exit mobile version