નવસારી : નવસારી જિલ્લામાંથી ચુંટણી અને હોળી-ધૂળેટીનાં તહેવાર પૂર્વે જ લાખોનો વિદેશી દારૂ પકડવામાં આવી રહ્યો છે. ગત રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગણદેવી પોલીસે પકડેલા લાખોના દારૂ બાદ આજે નેશનલ હાઇવે નં. 48 પર આલીપોર ઓવર બ્રીજ પાસેથી ચીખલી પોલીસે બાતમીને આધારે ભરેલા 14.97 લાખ રૂપિયાનો વિદેશી દારૂ તાડપત્રીની આડમાં સંતાડીને ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે વિદેશી દારૂ સાથે ટ્રક, મોબાઈલ અને રોકડ મળી 29.99 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં હોળી-ધૂળેટીનાં તેહવારને ધ્યાનમાં રાખીને પ્રોહિબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં આજે ચીખલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન HC અલ્પેશ નવનીત અને HC વિજય દેવાયતને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મુંબઈ તરફથી આવી રહેલા કથ્થઈ રંગના ટ્રકમાં તાડપત્રીની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર લઇ જવામાં આવી રહ્યો છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર આલીપોર ઓવર બ્રીજના નવસારી તરફના છેડે ફિલ્ડીંગ ગોઠવી, બાતમીવાળા ટ્રકને અટકાવી તપાસ કરી હતી. પોલીસે ટ્રકમાં બાંધેલી તાડપત્રી કાઢતા જ તેની નીચે 14,97,600 રૂપિયાની વ્હીસ્કી, વોડકા અને બીયરની કુલ 3024 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના મદારગઢ ગામે રહેતા 38 વર્ષીય બટુક રાજા દેવીપૂજકની ધરપકડ કરી હતી. આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો દમણથી અજાણ્યા ઇસમે ભરાવી આપ્યો હતો, જેનો મોબાઈલ નંબર મળ્યો છે, જયારે સુરેન્દ્રનગરના ચોરવીરા ગામના બુટલેગર હરેશ ઉર્ફે મેહુલ માનસિંગ દેવીપૂજક અને દલસુખ ઉર્ફે મુન્નો મનજી માતાસુરીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેથી પોલીસે ટ્રક માલિક સહિત દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર મુરેન્દ્રનગરના બંને બુટલેગરો મળી કુલ 4 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 15 લાખ રૂપિયાની ટ્રક, 1 હજાર રૂપિયા રોકડા અને 500 રૂપિયાના મોબાઈલ ફોન મળીને 29.99 લાખ રૂપિયાના મુદ્દામાલને કબ્જે કરી, ચીખલી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તપાસને વેગ આપ્યો છે.