સમાજના નેતૃત્વની માંગ કરી, પણ પક્ષે સાંભળ્યો નહીં, એટલે થયો નિષ્ક્રિય
નવસારી : આદિવાસી પંથકના ભાજપી નેતા અને જિલ્લા પંચાયતની કુકેરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલને ગત રોજ જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિષે વાણી વિલાસ કરતા હોવાના આક્ષેપો સાથે કારણદર્શક નોટીસ આપ્યા બાદ, આજે પ્રકાશ પટેલે જિલ્લા પંચાયતમાં સૌથી વધુ આદિવાસી સભ્યો હોવાથી પ્રમુખ પદની રજૂઆત કરી હતી, પણ ધ્યાને ન લેતા નિષ્ક્રિય થયો હતો. જેના કારણે નોટીસ આપી હોવાની પ્રતિક્રિયા આપી હતી.
હું પક્ષમાંથી રાજીનામુ ન આપુ, જોકે નિષ્ક્રિય થવા મુદ્દે પક્ષ પલટાની વાત પણ ટાળી
નવસારી જિલ્લા ભાજપ દ્વારા ગત રોજ નવસારી જિલ્લા પંચાયતના કુકેરી બેઠકથી સભ્ય પ્રકાશ બાલુ પટેલને પક્ષ વિરોધી વાણી વિલાસ કરી, પક્ષની છબીને નુકશાન થાય એવી વાતો અને ચર્ચાઓ કરતા હોવાના આક્ષેપો સાથે કારણદર્શક નોટીસ પાઠવી હતી. જેમાં તેમને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા એ મુદ્દે પણ બે દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારે આજે પ્રકાશ પટેલે જિલ્લા ભાજપ દ્વારા નોટીસ મળ્યાનું સ્વિકાર્યું હતું. સાથે જ તેઓ નિર્દોષ હોવાની વાત આગળ ધરી નોટીસ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રકાશ પટેલે જણાવ્યુ કે, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને જિલ્લા પંચાયતની કુકેરી બેઠક પરથી સભ્ય છે. પરંતુ જિલ્લા પંચયાતના 30 સભ્યો પૈકી 23 સભ્યો આદિવાસી છે, જેથી જિલ્લા પંચયાતના પ્રમુખ પદ માટે આદિવાસીને પ્રાધાન્ય આપવાની રજૂઆત પક્ષમાં કરી હતી. રજૂઆતમાં મેં પ્રમુખ બનવાની વાત કરી ન હતી, પણ 23 માંથી કોઈને પણ પ્રમુખ બનાવાય એવી મારી રજૂઆત હતી. જોકે પક્ષે મારી રજૂઆત કાને ન ધરતા હું નિષ્ક્રિય થઇ ગયો હતો. મેં પક્ષ વિરોધી કોઈ વાતો કરી નથી. સાથે જ તેમણે બે દિવસમાં જવાબ આપવાનું પણ જણાવ્યુ હતુ. જોકે પ્રકાશ પટેલે નિષ્ક્રિય હોવાથી પક્ષમાંથી રાજીનામું આપવાનો નન્નો ભર્યો હતો. સાથે જ નિષ્ક્રિય હોવાથી પક્ષ પલટો કરવાનો વિચાર છે કે કેમ..? એ પ્રશ્ન પર વાતને ટાળી, કરીશ ત્યારે જણાવીશનો રાગ આલાપ્યો હતો.