ચુંટણી

ચુંટણીના રંગ : બાડમેરના અપક્ષ ઉમેદવારે પ્રવાસી રાજસ્થાની મતદારોને કહ્યું “ પધારો આપણો ગાંવ “

Published

on

બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવીન્દ્ર ભાટી રાજસ્થાની મતદારોને મનાવવા નવસારી પહોંચ્યા

નવસારી : લોકસભા ચુંટણીના અનેક રંગ છે. ગુજરાતથી ઉત્તરે આવેલા રાજસ્થાનના હજારો લોકો રોજગારની શોધમાં ગુજરાતના વિભિન્ન જીલ્લાઓમાં વસ્યા છે. ગુજરાતને કર્મભુમી બનાવનારા રાજસ્થાનીઓ મતદાર તો રાજસ્થાનના જ હોય છે. ત્યારે રાજસ્થાનના સરહદી જિલ્લાઓ બાડમેર, જેસલમેર અને બાલોતરાની બાડમેર-જેસલમેર લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રીપાંખ્યો જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાં બાડમેરની શિવ વિધાનસભાના ધારાસભ્ય અને બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીએ આજે મોડી રાતે નવસારી જિલ્લાની મુલાકાત લઇ, પ્રવાસી મતદારોને સહયોગ આપવા હાંકલ કરી હતી.

બાડમેરમાં 22 લાખ મતદારો, પણ હજારો મતદારો અન્ય રાજ્યોમાં

રાજસ્થાનના સરહદી અને દેશના પાંચમાં સૌથી મોટા બાડમેર જિલ્લાની શિવ વિધાનસભાના ધારાસાભ્ય રવિન્દ્ર ભાટીએ બે ટર્મથી વિજેતા થતી ભાજપ સામે બાયો ચઢાવી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રવિન્દ્ર ભાટીની લોકચાહના એટલી વધુ છે કે તેઓ ઉમેદવારી કરવા કલેકટર કચેરી પહોંચ્યા, તો તેમના સમર્થનમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. 8 વિધાનસભાઓમાં 22 લાખથી વધુ મતદારો અને 2600 બુથ ધરાવતી બાડમેર લોકસભા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ મેદાને છે, જેમાં રવિન્દ્રની અપક્ષ ઉમેદવારી ત્રિપાંખીયો જંગ છેડશે. ત્યારે ધંધા રોજગારની શોધમાં વતન છોડીને ગુજરાતમાં વસતા મતદારોને રીઝવવા માટે રવિન્દ્ર ભાટી આજે ગુજરાતના પ્રવાસે છે. જેમાં સવારથી અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, પલસાણા, નવસારી, વાપી વગેરે શહેરોમાં વસતા 36 જાતિના મતદારોને મદદ કરવાની અપીલ કરવા પહોંચ્યા હતા.

નવસારીમાં બાડમેરના 1500 થી વધુ મતદારો, રવીન્દ્ર ભાટીએ બાડમેર આવવા કરી અપીલ

નવસારીના હાઇવે ઉપર આવેલ શ્રી રાજસ્થાની વિશ્વકર્મા સુથાર સમાજ ટ્રસ્ટના ઉન સ્થિત વાડીમાં પ્રવાસી રાજસ્થાની સંમેલન યોજવામાં આવ્યુ હતું. જ્યાં રવિન્દ્ર ભાટી સમય કરતા 2 કલાક મોડા પહોંચ્યા હતા. એમની લોકચહનાને કારણે રવિન્દ્ર સુથાર સમાજની વાડીએ પહોંચતા જ તેમને લોકોએ માથે ઉંચકી લીધા હતા. નવસારી જિલ્લામાં વસતા બાડમેર, જેસલમેર અને બાલોતરા જિલ્લાના અંદાજે 1500 થી વધુ મતદારો છે, ત્યારે તેમણે રવિન્દ્ર ભાટીને જિતાડવાના પ્રયાસો આરંભ્યા છે. આજે નવસારી પહોંચેલા રવિન્દ્ર ભાટીએ તેમના સમર્થકોને મતદાન કરવા સમયે રાજસ્થાન પહોંચી જવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ઉપસ્થિત લોકોને એક ઉમ્મીદ, વિશ્વાસ અને આશા લઈને આવ્યા હોવાનું કહી, નાના ભાઈને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે નાં તો તેઓ કોઈ પક્ષમાંથી લડી રહ્યા છે, કે નાં કોઈ મોટા નેતા કે બાહુબલી કે સ્ટાર પ્રચારક પણ નથી. લોકસભા ચુંટણી લડવા તેમની પાસે રૂપિયા પણ નથી. પરંતુ રાજસ્થાન બહાર વસતા મતદારો પણ 26 એપ્રિલે તેમના વતન બાડમેર આવી તેમના નાના ભાઈને મદદ કરવા અપીલ કરી હતી.

બાડમેરમાં પાણી, વીજળી અને શિક્ષણની મોટી સમસ્યા, ઉકેલ લાવવાની મતદારોની માંગ

નવસારી જિલ્લામાં વસતા રાજસ્થાનીઓ આજે બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીને લોકસભા ચુંટણીમાં જીતાડી દિલ્હી મોકલવાનો વિચાર કરી રહ્યા છે. નવસારી આવેલા રવિન્દ્રને ઉત્સાહ પૂર્વક આવકારી, વિભિન્ન રાજસ્થાની સમાજના આગેવાનોએ તેમનું અભિવાદન કર્યુ હતું. સાથે જ લોકસભા બેઠકમાં તેમની સમાસ્યાઓનું સમાધાન થાય એવી આશા પણ સેવી હતી. જેમાં ખાસ કરીને પાણી, વીજળી અને શિક્ષણમાં પ્રગતિ થાય, રિફાયનરીની સમસ્યાનું સમાધાન આવે, રાજસ્થાનીને રાજભાષા તરીકે સ્વિકાર મળે, જેવા મુદ્દાઓ બેનર સ્વરૂપે રજૂ કર્યા હતા. સાથે જ રવિન્દ્ર જંગી બહુમતીથી ચુંટણી જીતે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.  

બાડમેર લોકસભામાં બે ટર્મથી ભાજપ, આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન… મતદારોને હાથ

લોકસભા ચુંટણીમાં ઘણી લોકસભા બેઠકો સરળતાથી મોટી જીતથી જીતવાની સંભાવના ઉમેદવારો લગાવતા હોય છે. પરંતુ રાજસ્થાનની બાડમેર લોકસભા બેઠકના ઘણા લોકો અન્ય રાજ્યોમાં વસતા હોવાથી, ઉમેદવારે સ્થાનિક સહિત અન્ય રાજ્યોમાં પણ ચુંટણી પ્રચાર કરવો પડતો હોય છે, ત્યારે બાડમેર બેઠક ઉપર ભાજપ હેટ્રિક મારે છે કે અપક્ષ ઉમેવાર રવિન્દ્ર ભાટી પરિવર્તન લાવવામાં સફળ રહે છે એ જોવું રહ્યુ..

Click to comment

Trending

Exit mobile version