વર્ષ 2005 માં મોબાઈલ દુકાનમાંથી 1.81 લાખના મોબાઈક ફોન્સની કરી હતી ચોરી
નવસારી : નવસારી શહેરની મોબાઈલની દુકાનમાંથી 20 વર્ષ અગાઉ 1.81 લાખના મોબાઈલ ફોન્સની ચોરી કરનાર ઘરફોડિયા ચોરને નવસારી SOG પોલીસની વોન્ટેડ એક્સ્યુસડ સેલની ટીમે બાતમીને આધારે રાજસ્થાનના ભવરાની ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી ઘરફોડિયો પકડાતા ચાર રાજ્યોની કુલ 15 ચોરીઓનો ભેદ ખુલવા પામ્યો છે.
આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લોર અને રાજસ્થાનમાં પણ ચોરીઓને આપ્યો હતો અંજામ
લોકસભા ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ હેતૂથી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વોન્ટેડ એક્યુસડ સેલની રચના કરી જિલ્લા SOG ના હાથમાં કમાન આપવામાં આવી છે. જેમાં વર્ષો જુના ગુનાઓના આરોપીઓને પણ પકડી પાડવા માટેની કવાયત હાથ ધરાઈ છે. દરમિયાન નવસારી શહેરમાં વર્ષ 2005 માં મોબાઈલની દુકાનમાંથી 1.81 લાખ રૂપિયાના મોબાઈલ ચોરવાના ગુનાનો મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે મુલારામ ચૌધરી 20 વર્ષે પણ પોલીસ પકડથી દૂર હોવાની માહિતી મેળવી હતી. SOG ની ટીમે ડેટા એનાલિસીસ કરી, હ્યુમન ઇન્ટેલિજન્સ થકી આરોપી મુકેશ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભવરાની ખાતે રહી રહ્યો છે. જેને આધારે SOG ની એક ટીમ રાજસ્થાનના ભવરાની પહોંચી હતી અને ત્યાંથી બાતમીને આધારે 20 વર્ષ અગાઉ ચોરીને અંજામ આપનાર 37 વર્ષીય મુકેશ ઉર્ફે મુલારામ ખંગારજી ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જેને રાજસ્થાનથી નવસારી લાવી, તેની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન આરોપી મુકેશે નવસારીમાં તેના મિત્રો ભુરારામ ચૌધરી અને ભવરલાલ પુરોહિત સાથે મળીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. સાથે જ ત્રણેય જણાની ટોળકીએ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરૂ અને રાજસ્થાનમાં બીજી 15 ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પણ ખુલ્યુ હતુ. જેથી પોલીસે આરોપી મુકેશ ચૌધરીને નવસારી ટાઉન પોલીસને સોંપતા, પોલીસે તેને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.