ઇન્ટૂકના પૂર્વ પ્રમુખ નૈષધ દેસાઈને ચુંટણી મેદાનમાં ઉતાર્યા
નવસારી : લોકસભા ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસને પોતાનો મુરતિયો શોધવામાં ઘણો સમય વિતી ગયા બાદ આજે સુરતના પીઢ કોંગ્રેસી અને ઇન્ટૂકના પૂર્વ પ્રમુખ નૈષધ દેસાઈને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.
લોકસભા ચુંટણી 2024 ની જાહેરાત થયા બાદ ભાજપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી, નવસારી લોકસભા બેઠક ઉપરથી ચોથી વાર પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ સી. આર. પાટીલ સામે મજબૂત મુરતિયો શોધવાની વાતો સાથે કોંગ્રેસ અત્યાર સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકી ન હતી. જેમાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. એહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ નવસારીના ચુંટણી મેદાનમાં ઉતારાવાની તૈયારી કરી રહ્યા હોવાની વાતે જોર પકડતા સ્થાનિક નેતાગીરીમાં નારાજગી જોવા મળી હતી. જોકે બાદમાં સુરતના નૈષધ દેસાઈ, નવસારીના નિરવ નાયક અને શૈલેષ પટેલ જેવા નામો પણ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ કોના ઉપર પસંદગી ઉતારે એની કશ્મકશ રહી હતી કોંગ્રેસ ઉમેદવાર જાહેર ન કરી શકી, એમાં ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલે ટોણો પણ માર્યો હતો કે કોંગ્રેસને ઉમેદવાર નથી મળતો. ત્યારે કોંગ્રેસે આજે મોડી સાંજે રાજ્યની બાકી રહેલી 4 બેઠકો ઉપર પોતાના ઉમેવારોની જાહેરાત કરી હતી, જેમાં નવસારી લોકસભા બેઠક ઉપર પીઢ કોંગ્રેસી અને ઇન્ટૂકના પૂર્વ પ્રમુખ નૈષધ દેસાઈને ઉમેદવાર જાહેર કર્યા છે. નૈષધ દેસાઈના નામની જાહેરાત થતા નવસારી અને સુરતના કોંગ્રેસીઓમાં ખુશી જોવા મળી હતી. સાથે જ આગામી દિવસોમાં કોંગ્રેસ મજબૂતીથી ભાજપ સામે ચુંટણી જંગ લડશેની આશા પણ વ્યક્ત કરી હતી.