નવસારી SOG પોલીસે પકડીને ચીખલી પોલીસને સોંપ્યો
નવસારી : નવસારી જિલ્લામાં લોકસભા ચુંટણીને ધ્યાને રાખીને જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે બનાવાયેલી વોન્ટેડ એક્યુસડ સેલે ચીખલી સિવિલ હોસ્પિટલ બહાર મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને બાતમીને આધારે બીલીમોરાથી પકડી પાડી, ચીખલી પોલીસને સોંપ્યો હતો.
આરોપી મનિષ ઉર્ફે કાળીયો રીઢો ગુનેગાર, 15 થી વધુ ગુનાનો આરોપી
મળતી માહિતી મુજબ, લોકસભા ચુંટણી જાહેર થતા જ નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ હેતૂથી વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને સાથે રાખી વોન્ટેડ એક્યુસડ સેલની રચના કરવામાં આવી છે. જેના દ્વારા જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી તેમને ઝબ્બે કરવાના પ્રયાસો આરંભ્યા છે. જેમાં ચીખલી પોલીસ મથકમાં વર્ષ 2023 માં ચીખલી સિવિલ હોસ્પિટલ બહાર મારામારીના નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી મનિષ ઉર્ફે કાળીયો પટેલને પકડવા માટે SOG ની ટીમે બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરવા સાથે ટેકનીકલ સર્વેલન્સને કામે લગાડી આરોપી મનિષ ઉર્ફે કાળિયાને બીલીમોરા સ્ટેશન રોડ પર સુર્યા કોમ્પ્લેક્ષની પાછળ આવેલ પટેલ મોટર્સ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી મનિષ પટેલની ધરપકડ કરી વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યો હતો. ઉલ્લેખનિય છે કે આરોપી મનિષ ઉર્ફે કાળીયો વિરૂદ્ધ બીલીમોરા, ચીખલી, ગણદેવી અને નવસારી પોલીસ મથકમાં વિવિધ 15 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે, જેથી રીઢા આરોપીને પકડી પોલીસે જેલ હવાલે કર્યો હતો.