9 રાજકિય પક્ષો અને 10 અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી થઇ મંજૂર, 7 નામંજૂર
નવસારી : લોકસભા ચુંટણીમાં ઉમેદવારીપત્રો ભરાયા બાદ આજે જિલ્લા કલેકટરાલય ખાતે ઉમેદવારો અને તેમના એજન્ટો, વકીલોની ઉપસ્થિતિમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નવસારી લોકસભા બેઠક ઉપર 35 ઉમેદવારીપત્રોમાંથી 7 ઉમેદવારીપત્ર નામંજૂર થતા, 19 ઉમેદવારોના 28 ઉમેદવારીપત્રોને મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં 9 રાજકિય પક્ષો અને 10 અપક્ષ ઉમેદવારોના ઉમેદવારીપત્ર મજૂર થયા છે, હવે 22 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખે ખરૂ ચિત્ર સ્પષ્ટ થશે.
કોંગ્રેસે SDPI ના ઉમેદવાર અને તેના ડમી સામે વાંધો ઉઠાવ્યો, પણ પુરાવા રજૂ ન કરી શકી
લોકસભા ચુંટણીમાં 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. જેમાં 25 નવસારી લોકસભા બેઠક ઉપર અઠવાડિયામાં 13 રાજકિય પક્ષોના 26 અને 9 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 35 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની આજે નવસારી જિલ્લા કલેકટરાલય ખાતે જિલ્લા કલેકટર અને મુખ્ય ચુંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચકાસણી થઇ હતી. ચકાસણી દરમિયાન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નૈષધ દેસાઈના એજન્ટ અને વકીલ દ્વારા સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ના ઉમેદવાર કાદિર સૈયદ અને તેમના ડમી ઉમેદવાર મુનાફ વોરાની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના મતે SDPI ઇન્ડિયા ગઠબંધન સાથે હોવાથી, નવસારી લોકસભા પર જયારે કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો હોય, તો SDPI પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે નહીં, સાથે જ SDPI ના ઉમેદવારનું મેન્ડેટ બોગ્ગસ હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જેથી ચુંટણી અધિકારી દ્વારા બે ઉમેવારીપત્રો ઉપર બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય આપી, કોંગ્રેસ પાસેથી પુરાવા માંગ્યા હતા. પરંતુ કોંગ્રેસીઓ યોગ્ય પુરાવા આપી શક્યા ન હતા. જેથી ચુંટણી અધિકારીએ SDPI ના ઉમેદવાર કાદિર સૈયદનું ઉમેદવારીપત્ર મજૂર કર્યુ હતુ. જયારે તેમના ડમી મુનાફ વોરા સાથે 10 ટેકેદારો હોવાથી, એને અપક્ષ ઉમેદવાર તરીકે લઇ, ઉમેદવારીપત્રને મજૂર રાખ્યુ હતુ.
ભરાયેલા 35 ઉમેદવારીપત્રોમાંથી 28 મંજૂર, 7 નામંજૂર
નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને તેમની ટીમ દ્વારા આજે ઉમેદવારીપત્રોની કરવામાં આવેલી ચકાસણીમાં ભાજપ, કોંગ્રેસ અને બસપા સહિતના 9 રાજકિય પક્ષોના ઉમેદવારોના 16 ઉમેદવારીપત્રો સાથે 10 અપક્ષ ઉમેદવારોના ઉમેદવારીપત્રોને મંજૂરીની મહોર મારી હતી. જયારે 7 ઉમેદવારીપત્રોને નામંજૂર કર્યા હતા. જેથી નવસારી લોકસભા બેઠક ઉપર ચુંટણી જંગમાં કુલ 19 ઉમેદવારો નોંધાયા છે. જોકે ચકાસણી બાદ 22 એપ્રિલ સુધી કોઈક ઉમેદવારે પોતાનું ઉમદેવારીપત્ર પરત ખેંચવું હોય, તો તેના દ્વારા ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જેથી 22 એપ્રિલ, સોમવારે કેટલા ઉમેદવારીપત્ર પરત ખેંચાય છે, ત્યારબાદ નવસારી લોકસભાની ચુંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થશે.