નવસારી ટાઉન પોલીસના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો
નવસારી : નવસારી શહેરમાં અલગ અલગ દુકાનોમાંથી સિગારેટ ચોરી કરનાર સુરતના બે રીઢા ચોરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે નવસારી રેલ્વે સ્ટેશન નજીકથી દબોચી લીધા હતા. પકડાયેલા બે ચોરટાઓ પૈકી 1 સામે 12 અને એક સામે 5 ગુનાઓ નોંધાયા હતા.
બંને આરોપીઓ પાસેથી પોલીસે 1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરની બે હોલસેલ દુકાનોમાંથી થોડા દિવસ અગાઉ અલગ અલગ કંપનીની સિગારેટના જથ્થાની ચોરી થઈ હતી. જેને ધ્યાને લઇને નવસારી ટાઉન પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ એક્ટિવ થઈ હતી. દરમિયાન LCB ના HC વિપુલ નાનુ અને PC દિગ્વિજયસિંહ રવજી બંનેને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે શહેરમાં સિગારેટ ચોરીના સંડોવાયેલા બે ઈસમો હાલ નવસારી રેલ્વે સ્ટેશનથી વિરાવળ જકાતનાકા જતા રીંગ રોડ ઉપર ફરી રહ્યા છે. જેને આધારે પોલીસે રીંગ રોડ પહોંચી, બાતમીવાળા યુવાનો, સુરતના વેડરોડ સ્થિત શિવ પેલેસ વિહાર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય નીતિન કંવરસેલન વર્મા અને સુરતના ડભોલી ચાર રસ્તા પાસેના શિવ ધારા એપાર્ટમેન્ટમાં રહેતા 21 વર્ષીય દર્શન રમેશ ઉનાગરને દબોચી અટકમાં લઈ કડકાઇથી પૂછપરછ આરંભી હતી. પોલીસની કડકાઈમાં દર્શન અને નીતિન ભાંગી પડ્યા હતા અને તેમણે નવસારી શહેરમાંથી 1.08 લાખ રૂપિયાની અલગ અલગ કંપનીની સિગારેટના પેકેટ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી, સિગારેટ સાથે 50 હજારનુ મોપેડ, 25 હજારના બે મોબાઈલ ફોન મળી કુલ 1.83 લાખના મુદ્દામાલ કબ્જે કર્યા હતા. બંને આરોપીઓ ચોરીમાં એક્સપર્ટ હોવાનું ખુલ્યું હતું. જેમાં દર્શન ઉનાગર સામે સુરત, ગાંધીનગરમાં અલગ અલગ પોલીસ મથકોમાં 12 અને નીતિન વર્મા સામે સુરત અને વલસાડમાં 5 ગુનાઓ નોંધાયા હતા. સમગ્ર મુદ્દે LCB પોલીસે નવસારી ટાઉન પોલીસમાં ગુનો નોંધાવી, આરોપીઓને વધુ તપાસ અર્થે સોંપ્યા હતા.