ચુંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભામાં ટીમ બનાવી ઘરે ઘરે જઈને કરાવાયુ મતદાન
નવસારી : લોકસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે પૂર્વે ચુંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા મતદારોનું બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ એની સાથે જ જિલ્લામાં વૃદ્ધો અને દિવ્યાંગો તેમના ઘરેથી જ તેમનો પવિત્ર મત આપી શકે એવી પ્રથમવાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લામાં કુલ 494 વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોતાનો મત ઘર બેઠા આપ્યો હતો.
પ્રથમવાર વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે ઘર બેઠા મતદાન કરવાની ગોઠવાઈ વ્યવસ્થા
ભારતીય ચુંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એના માટેના સતત પ્રયાસો કરવા સાથે જ મતદારો માટે અવનવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવતી હોય છે. ગત ચુંટણીઓમાં મતદાન સમયે અતિવૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓમાં મોટાભાગના મતદાનથી દૂર રહેતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને ધ્યાને રાખીને લોકસભા ચુંટણી 2024 માં ભારતિય ચુંટણી પંચ દ્વારા 85 વર્ષથી ઉપરના વૃદ્ધો અને તેમની સાથે 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને માટે ચુંટણીના ઈતિહાસમાં પ્રથમવાર બેલેટ પેપરથી અને ઘર બેઠા મતદાન કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવી હતી. જેને આધારે નવસારી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા જિલ્લાની 4 વિધાનસભામાં સર્વે કરી, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોની યાદી બનાવી હતી. જેને આધારે નવસારી લોકસભા અંતર્ગત 174 જલાલપોર વિધાનસભામાં ગત 26 એપ્રિલના રોજ 59 વૃદ્ધો અને 55 દિવ્યાંગ મળી કુલ 114 મતદારોનાં ઘરે પહોંચી મતદાન કરાવડાવ્યુ હતુ. જયારે ગત રોજ 176 ગણદેવી વિધાનસભામાં 64 વૃદ્ધો અને 53 દિવ્યાંગ મળી કુલ 117 મતદારોને તેમના ઘરે પહોંચી મતાધિકારનો અધિકાર આપ્યો હતો. 175 નવસારી વિધાનસભામાં આજે 99 વૃદ્ધો અને 25 દિવ્યાંગ મતદારો મળી કુલ 124 મતદારોનાં ઘરે જઈને તેમને મતદાન કરાવડાવ્યુ હતુ. જયારે વલસાડ લોકસભા અંતર્ગત જિલ્લાની 177 વાંસદા વિધાનસભામાં નોંધાયેલા 100 વૃદ્ધ અને 39 દિવ્યાંગ મતદારોને ઘરેથી મતદાન કરાવડાવ્યુ હતુ.
ઘરેથી મતદાન માટે વિશેષ ટીમ બનાવી, ચુંટણીના સાધનો સાથે ઘર સુધી પહોંચાડ્યા
જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 85 વર્ષથી ઉપરના વૃદ્ધ અને 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદારો માટે ઘરેથી મતદાન માટેની કરેલી અલાયદી વ્યવસ્થા માટે વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યુ હતુ. જે ટીમોને મત કુટીર, મત પેટી, બેલેટ પેપર સહિતની સામગ્રી સાથે સુરક્ષા સાથે મતદારોના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી હતી, જ્યાં પોલીંગ ઓફિસરની હાજરીમાં ટીમ દ્વારા વૃદ્ધ કે દિવ્યાંગ ગુપ્તતા સાથે પોતાનો કિંમતી મત આપી શકે એવી વ્યવસ્થા ઉભી કરી હતી અને અંતે મતદાર પાસેથી મતદાન કરાવ્યુ હતુ. ચુંટણી પંચ દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે કરેલી વિશેષ વ્યવસ્થાની તેમના પરિવારજનો દ્વારા સરાહના પણ કરવામાં આવી હતી.