દક્ષિણ-ગુજરાત

બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર – વિજ્ઞાન પ્રવાહમાં નવસારીની AB સ્કૂલનો દબદબો

Published

on

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નવસારીનું 85.75 ટકા મતદાન નોંધાયુ

નવસારી : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ ઓનલાઇન જાહેર થયુ છે. નવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.75 ટકા ઉંચું આવ્યુ છે. જેમાં ગત વર્ષોની પેટર્ન મુજબ નવસારીની AB સ્કૂલનો દબદબો રહ્યો છે, જિલ્લાના A1 ગ્રેડના 62 વિદ્યાર્થીઓમાંથી 41 વિદ્યાર્થી ફક્ત AB સ્કૂલના જ છે.

નવસારી જિલ્લાના પરીક્ષા અપાનારા 4676 વિદ્યાર્થીઓમાંથી 4010 વિદ્યાર્થીઓ થયા પાસ

વિદ્યાર્થી કાળમાં બોર્ડ પરીક્ષાઓનું ઘણું મહત્વ છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓમાં આવેલ ઉચ્ચત્તમ ગુણ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે. જેમાં પણ ધોરણ 12 ની પરીક્ષા ખુબ જ મહત્વની સાબિત થાય છે. ત્યારે ગત માર્ચ 2024 માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનું આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ ઉપર પરિણામ જાહેર થયુ હતું. બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ નવસારી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. નવસારીમાં વિજ્ઞાન પ્રવાહમાં 4682 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 4676 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી 4010 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. જેમાંથી A1 ગ્રેડમાં 62 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જયારે A2 ગ્રેડમાં 364 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

નવસારીની AB સ્કૂલના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહમાં ઉજળો દેખાવ

નવસારી જિલ્લાની ખાનગી શાળાઓમાં અભ્યયાસ અને શિક્ષણને લઇને નવસારીના પરતાપોર સ્થિત આવેલી AB સ્કૂલ બોર્ડ પરીક્ષાના પરિણામોને લઇ પહેલેથી જ આગળ રહી છે. ગત વર્ષોમાં ધોરણ 10 હોય કે ધોરણ 12 બંનેમાં વિદ્યાર્થીઓનો ઉજળો દેખાવ AB સ્કૂલને જિલ્લામાં અવલ્લ નંબરે મુકે છે. ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવસારી જિલ્લાનું 85.75 ટકા પરિણામ આવ્યુ છે, જેમાંથી AB સ્કૂલનું 94.97 ટકા પરિણામ રહ્યુ છે. શાળાના 894 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 849 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાંથી શાળાના 41 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે, જયારે 185 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતા નવસારી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં AB સ્કૂલનો ઉજળો દેખાવ રહ્યો છે.

સાગર ખેડૂ પરિવારનો ધ્રુવીશ ટંડેલ 96.6 ટકા સાથે શાળામાં પ્રથમ

AB સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવીશ ટંડેલે 500 માર્ક્સમાંથી કુલ 483 માર્ક્સ મેળવી 96.6 ટકા મેળવી શાળામાં પ્રથમ રહી, જિલ્લામાં મોખરે રહ્યો છે. સાગર ખેડૂ પિતાનો દીકરો ધ્રુવીશ જણાવે છે કે, શાળા સાથે માતા-પિતાનો સહયોગ ખુબ રહ્યો. રોજના રિવીઝન કરવુ જરૂરી છે, કારણ જે ભણો છો, એને રીવાઇઝ કરતા રહેશો, તો પાછળ જતા મુશ્કેલી નહીં પડે. સાથે જ વાંચન કરતા લખવાની પ્રેક્ટીસ જરૂરી થઇ જાય છે. શાળામાં 8 કલાક અને ઘરે 5 થી 6 કલાકની સખત મહેનતે આટલા પરિણામ સુધી પહોંચાડ્યો છે. જયારે ભવિષ્યમાં AI એન્જીનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

AB સ્કૂલની ક્રિષા કોરાટ GUJCET પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ

નવસારીની AB સ્કૂલ તેના શૈક્ષણિક સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને અવ્વલ રાખવામાં સફળ રહી છે. બોર્ડ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓનો ઉજળો દેખાવ રહ્યો છે. જેની સાથે જ GUJCET પરીક્ષામાં પણ શાળાના 78 વિદ્યાર્થીઓએ 100 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જેમાંથી ક્રિષા કોરાટ 120 માંથી 120 માર્ક્સ મેળવીને રાજ્યમાં પ્રથમ રહી છે. જયારે વિજ્ઞાન પ્રવાહનાં મુખ્ય વિષયોની વાત કરીએ તો ક્રિષાએ બાયોલોજીમાં 100 માંથી 99 માર્ક્સ, ફિઝીક્સમાં 100 માંથી 98 માર્ક્સ અને કેમેસ્ટ્રીમાં 100 માંથી 99 માર્ક્સ મેળવ્યા છે. ક્રિષા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા તેમજ શાળા અને શિક્ષકોને આપે છે. ખાસ કરીને બાયોલોજીમાં NCRT ના પાઠ્યપુસ્તકનું ઘણું મહત્વ હોય છે. ક્રિષાએ પુસ્તકની લાઇન ટૂ લાઇન મોઢે કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને શબ્દ ઉપર વધારે ધ્યાન આપ્યુ હતુ. બાયોલોજીમાં ખાસ કરીને કોઇ એક પેરેગ્રાફ કે ટોપિક સમજવાનો પ્રયાસ કરતા હોય છે, પણ ક્રિષાએ મહત્વની લાઇન અલગ તારવી તેનો ચાર્ટ બનાવી યાદ રાખવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ક્રિષા કૃષિ વૈજ્ઞાનિક બનવા માંગે છે, ઘણા વિદ્યાર્થીઓ બાયોલોજીને કારણે ડોક્ટર કે લેબોરેટરી ટેકનીશ્યન બનવા માંગતા હોય છે, પણ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી ક્રિષા લોકોને શ્રેષ્ઠ ખોરાક મળી રહે એ માટે કૃષિ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા માંગે છે.

Click to comment

Trending

Exit mobile version