નવસારી : નવસારીમાં ગત રોજ બપોરના સમયે ઐતિહાસિક દાંડીના દરિયામાં નાહવા પડેલા રાજસ્થાની પરિવારના 4 લોકો ભરતીના પાણીમાં તણાઇને ગુમ થયા હતા. જેમની નવસારી ફાયર બ્રિગેડ, મરીન કમાન્ડો અને SDRF ની ટીમ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં આજે વહેલી સવારે ટીમને સફળતા મળી હતી. દાંડી નજીક આવેલા એક ખાનગી ફાર્મ હાઉસની પાછળથી પુત્રનો તો બાબા સ્વામી આશ્રમની પાછળથી માતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળસ્કે 4 વાગ્યે માતા અને પુત્રના મૃતદેહ મળ્યા, બે બાળકોની શોધ હજી પણ ચાલુ
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછુડા ગામેથી નવસારી ફરવા આવેલા રાવણા રાજપૂત પરિવારના સદસ્યો અને વર્ષોથી નવસારીમાં સ્થાયી થયેલા વર્મા પરિવારના સભ્યો સાથે ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા ગયા હતા. હજારોની સંખ્યામાં દાંડીના દરિયા કિનારે ઉમટી પડેલા સહેલાણીઓ વચ્ચે ગોપાલ વર્માની 40 વર્ષીય પત્ની સુશીલા વર્મા, 17 વર્ષીય પુત્ર યુવરાજસિંહ અને 15 વર્ષીય પુત્ર દેશરાજસિંહ વર્મા, 17 વર્ષીય ભાણેજ દુર્ગાકંવર રાવણા રાજપૂત તેમજ અન્ય ચાર સદસ્યોમાંથી બે કિનારે બેઠા હતા અને 6 લોકો દરિયામાં નાહવા ગયા હતા. જ્યાં અચાનક ભરતીના પાણી વધતા સુશીલા, યુવરાજ, દેવરાજ અને દુર્ગા દરિયાના પાણીમાં તણાઇને ગુમ થયા હતા. જેમની 15 કલાકથી નવસારી ફાયર બ્રિગેડના જવાનો, મરીન કમાન્ડો અને SDRF ની ટીમ શોધખોળ કરી રહી હતી. ભરતીના પાણી ઉતર્યા બાદ પણ તણાઇ ગયેલા ચારેય રાજસ્થાનીઓના મૃતદેહોની કોઈ ભાળ મળી ન હતી. અંતે આજે મળસ્કે 4 વાગ્યા આસપાસ પ્રથમ યુવરાજસિંહ વર્માનો મૃતદેહ દાંડી નજીકના એક ખાનગી ફાર્મ હાઉસની પાછળથી મળી આવ્યો હતો. જેથી શોધ કરતા ટીમ દ્વારા એજ દિશામાં સર્ચ ઓપરેશન આગળ વધાર્યુ અને તેમને બીજી સફળતા મળી હતો. મૃતક સુશીલા વર્માનો મૃતદેહ દાંડીથી થોડે દૂર સ્થિત બાબા સ્વામી આશ્રમની પાછળના ભાગે કિનારા પાસેથી મળી આવ્યો હતો. ચારમાંથી માતા-પુત્રના મૃતદેહ મળતા પરિવારજનોની આંખો ભીનાય હતી. જયારે તંત્ર દ્વારા બંને મૃતદેહોને શબવાહિની મારફતે નવસારી સિવિલ હોસ્પિટલ મોકલી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે શોધ કરતા ટીમ દ્વારા અન્ય બે મૃતદેહોને શોધવાની ગતિને વેગ આપ્યો છે.