અપરાધ

રૂમલા રાનકુવા માર્ગ પરથી 34 હજારનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ, એક વોન્ટેડ  

Published

on

જિલ્લાના આંતરિક માર્ગો પર થતી દારૂની હેરાફેરી રોકવામાં ખેરગામ પોલીસને મળી સફળતા

નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. બુટલેગરો અને ખેપિયાઓ અનેક તરકીબો અને નવા રસ્તાઓ થકી વિદેશી દારૂનો જથ્થો નવસારી સહિત આગળના જિલ્લાઓમાં ઘુસાડતા હોય છે. ત્યારે આજે ખેરગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે રૂમલા રાનકુવા માર્ગ પરથી 34 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂ મંગાવનાર સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસે વિદેશી દારૂ સાથે કુલ 2.86 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી અને વલસાડ જિલ્લાને આવેલા ખેરગામ તાલુકાનાં આંતરિક માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી રહે છે. ત્યારે આજે ખેરગામ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વલસાડથી ધરમપુર થઇને રૂમલા રાનકુવા માર્ગ પરથી એક સફેદ રંગની કાર વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થનાર છે. જેને આધારે પોલીસે રૂમલાથી રાનકુવા જવાના રસ્તા પર ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી સફેદ રંગની કાર આવતા જ પોલીસે તેને અટકાવી, તપાસ કરતા કારમાંથી 34,950 રૂપિયાની વ્હીસ્કીની કુલ 252 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને મોટી દમણના પારડી ગામના બાવળી ફળિયામાં રહેતા 31 વર્ષીય રીતેશ ઈશ્વર પટેલની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 2.50 લાખ રૂપિયાની કાર અને 2 હજાર રૂપિયાના મોબાઈલ ફોન મળીને કુલ 2.86 લાખ રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરી, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સુરતના સચીન વિસ્તારના બુટલેગર અજીતને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાથે જ ખેરગામ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version