દક્ષિણ-ગુજરાત

વાંસદાના મીંઢાબારી ગામે ફૂંકાયેલા તોફાની પવનોએ 15 ઘરોનાં પતરા ઉડાવ્યા

Published

on

મીંઢાબારી ગામે કમોસમી વરસાદમાં લોકોની ઘરવખરી પલળી ગઈ, પડ્યો આર્થિક ફટકો

નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી આકરા તાપ સાથે જ સાંજના સમયે વાદળ છાયુ વાતાવરણ થતા કમોસમી વરસાદ થવાની સંભાવના જોવાતી હતી. જેમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગત રોજ નવસારીના વાંસદા તાલુકામાં તોફાની પવનો ફૂંકાવા સાથે બરફના કરા પણ પડ્યા હતા. જેમાં મીંઢાબારી ગામે તોફાની પવને 15 ઘરોના પતરા ઉડાવી દેતા ઘરવખરી પલળી જતા ગરીબ આદિવાસી પરિવારોએ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.

વાંસદા પંથકમાં તોફાની પવનો સાથે બરફના કરા પડ્યા હતા

હવામાન વિભાગ છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ થવાની આગાહી કરતુ આવ્યુ છે, જેમાં ગત રોજ સાંજના સમયે વાંસદા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો જણાયો અને તોફાની પવનો સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદમાં બરફના કરા પડતા ભર ઉનાળે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે તોફાની પવનો સાથે પડેલા બરફના કરા વાંસદાના મીંઢાબારી ગામના નિશાળ ફળિયાના લોકો માટે આફત રૂપ બન્યા હતા. કારણ તોફાની પવનોમાં નિશાળ ફળિયાના 15 ઘરોના પતરા ઉડી ગયા હતા. પતરા ઉડતા જ ઘરવખરીને નુકશાન થવા સાથે વર્ષ માટે ભરાવેલું અનાજ, કપડા તેમજ ગાદલા, ગોદલા સહિતનો સામાન પલળી જતા ગરીબ આદિવાસીઓની સ્થિતિ કફોડી બની હતી. જોકે પતરા ઉડવાની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઇ ન હતી.

ગરીબ આદિવાસી પરિવારોની સરકારી સહાયની આશા

તોફાની પવનોમાં ઘરના પતરા ઉડતા મીંઢાબારીના ગરીબ આદિવસી પરિવારોના માથેથી છત નીકળી જતા ખુલ્લા આકાશમાં રહેવાનો વારો આવ્યો છે. વરસાદમાં ઘરવખરી પણ પલળી જતા આર્થિક નુકશાની વેઠવા પડી છે. ત્યારે અસરગ્રસ્ત આદિવાસી પરિવારો સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવી આશા સેવવામાં આવી છે.

હવામાન વિભાગની વધુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં સતત થઇ રહેલા બદલાવને જોતા 14 થી 16 મે, 2024 ત્રણ દિવસો દરમિયાન રાજયના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે મીંઢાબારીના લોકો માટે વરસાદ નવી આફત લઇને આવશે એની ચિંતા વધી છે. સાથે જ જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. સાથે જ તોફાની કે ભારે પવનો અને માવઠાને કારણે કેરીના પાકને પણ અસર થવાની સંભાવના વધતા ખેડૂતોએ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવશેની ચિંતા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version