અપરાધ

નવસારી શહેરમાં જુનવાણી વાસણોની ચોરી કરતી ટોળકીના બે પકડાયા

Published

on

વાસણો ચોરીને ભાગતા ચોરોની કરતૂત થઇ સીસીટીવી કેમેરામાં કેદ

નવસારી : નવસારી શહેરમાં લાંબા સમયથી બંધ પડેલા જુનવાણી મકાનોને ટાર્ગેટ બનાવી પંચ ધાતૂ, પિત્તળના એન્ટીક વાસણો જ ચોરી કરતી ટોળકીના બેને નવસારી ટાઉન પોલીસે ફરી એકવાર પકડી પાડી જેલના સળીયા ગણતા કરી દીધા છે.

બંને આરોપીઓ પાસેથી પોલીસે 36 હજારના પિત્તળના વાસણો કર્યા કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના શ્રમિક વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે ચીનીયો દેવીપૂજક અને યાસ્મીન પઠાણ ચોરીમાં રીઢા ગુનેગાર બની ગયા છે. કચરો વિણવા કે ભંગાર લેવાના બહાને બંને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને જુનવાણી મકાનોને ટાર્ગેટ કરે છે, બાદમાં બપોરના સમયે કે રાત્રીના અંધારામાં મકાનમાં પ્રવેશી કાંસા, પંચધાતૂ કે પિત્તળના વાસણો ચોરી કરીને એમને વેચી દે છે. થોડા દિવસ અગાઉ પણ આ બન્ટી બબલીએ શહેરના ઝવેરી સડક નજીક પૂર્ણા માતાજી મંદિર પાસેના મોરાર સ્ટ્રીટના બંધ મકાનને નિશાન બનાવી, તેમાંથી 36 હજારના પિત્તળના તપેલા, થાળી, કથરોટ, ડીશ, કડાઈ, ચમચા, ચમચી, લોટો, વાટકી પવાલા વગેરેની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. પરંતુ બંનેની કરતૂત નજીકના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સમગ્ર મુદ્દે મકાન માલિકને ચોરીની જાણ થતા, નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે ઘટના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી અને મકાનની પાછળથી મોટા કાપડમાં ભરીને વાસણો લઇ જતા એક પુરુષ અને મહિલા દેખાયા હતા. જેથી અગાઉ પણ શહેરમાંથી આજ પ્રકારે જુના વાસણો ચોરી કરતા નવસારીના તીઘરા નજીકની નવી વસાહતમાં રહેતા વિજય અને યાસ્મીન પકડાયા હતા, જેમને ચકાસવા જતા જ ચોરીનો ભેદ ઉકેલાય ગયો હતો. નવસારી ટાઉન પોલીસે વિજય ઉર્ફે ચીનીયો દેવીપૂજક અને યાસ્મીન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા 36 હજાર રૂપિયાના વિવિધ પિત્તળના વાસણો કબ્જે કરી, આગળની તપાસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version