કૃષિ

વાતાવરણની માઠી અસર : બજારમાં કેસર કેરીના ભાવ ગગડ્યા

Published

on

25 મે બાદ કેરીનો સારો ફાલ આવવા સાથે ભાવ મળવાની ખેડૂતોને આશા

નવસારી : સતત બદલાતા વાતાવરણ સાથે કેરીની આશા હવે નઠારી નીવડે તો નવાઈ નહી. જેમાં પણ છેલ્લા થોડા દિવસોથી પવનો સાથે માવઠાની અસર વર્તાતા ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ નવસારી APMC માં ચાર દિવસોથી સતત કેરીના ભાવમાં સતત ઘટાડો નોઘાઈ રહ્યો છે. જેથી વાતાવરણના મારને કારણે ખેડૂતોને ભાવ ઓછા મળતા આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

અપરિપક્વ કેરીના ફળ બજારમાં ઠાલવવાથી કેરીના ભાવ ઘટ્યાનું અનુમાન

નવસારી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો માટે વર્ષની મોસમ શરૂઆતથી જ નબળી રહી છે. નવેમ્બર – ડિસેમ્બર 2023 માં કેરી ઉપર ફલાવરીંગ થવાના દિવસોમાં પડેલા માવઠાએ આમ્રમંજરી ઉપર અસર વર્તાવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી – માર્ચ મહિનામાં પડેલી ગરમીએ સુકારા અને ખરણ વધતા આંબાવાડીમાં 40 થી 50 ટકા જ પાક રહેવાની સંભાવના સેવાઈ હતી. જોકે થયું પણ એવું જ એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત 38 થી 42 ડીગ્રી જેટલો ઉંચો રહેતા કેરીના ફળ નાના રહી ગયા હતા. પાછળના ફલાવરીંગની પણ હાલમાં આશા બંધાઈ હતી, પણ હાલમાં તોફાની પવનો સાથે થયેલા માવઠાએ જે 30 થી 40 ટકા કેરીનો પાક બચ્યો હતો, એમાં પણ ખેડૂતોની ચિંતા વધી છે. જોકે બીજી તરફ બજારમાં વાતાવરણના બદલાવને કારણે બજારમાં કેરીના ભાવમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના પાછળ વાતાવરણ સાથે જ નાના અને અપરિપક્વ ફળ તોડીને બજારમાં ઠલવાઈ રહ્યા છે, જે ગ્રાહક ખરીદે અને 80 ટકા કેરી પાકતી નથી, તેથી ગ્રાહકો પણ ફરી ખરીદી કરવા નીકળતા ન હોવાનું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. જોકે 25 મેં પછી કરીનો સારો ફાલ ઉતરશે, એવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે.

નવસારી APMC માં કેસર કેરીનો ભાવ 2100 થી 1750 ઉપર આવી ગયો

કેરીના પાકને વધુ ગરમી માફક આવતી નથી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષોથી વાતાવરણમાં ગરમી વધી છે, જેથી ડીસેમ્બરને બદલે આંબાવાડીઓમાં ફલાવરીંગ મોડુ આવવાથી સીઝન પણ 15 થી 25 દિવસ મોડી શરૂ થાય છે. ત્યારે ભારે પવનો અને માવઠાની અસર સાથે જ હાલમાં મહારાષ્ટ્રમાં ચુંટણીનાં માહોલને લઇને પણ મહારાષ્ટ્રની કેરીની આવક વધી છે. જેથી નવસારી APMC માં કેસરી કેરીનો પ્રતિ મણ ભાવ 2200 થી ઉપર હતો, જે ઘટીને 2000 થી 2100 પર પહોંચ્યો હતો, પરંતુ છેલા 4 દિવસોમાં રોજ 100 થી 150 રૂપિયા ભાવનો ઘટાડો નોંધાયો છે અને હાલ કેસર પ્રતિ મણ 1750 પર પહોંચ્યો છે. કેરીના ભાવ ઘટતા ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. જોકે 25 મેં પછી નવસારીમાં ફરી કેરી શરૂ થશે, તો ફળના ગ્રેડિંગ પ્રમાણે ખેડૂતોને સારો ભાવ મળે એવી આશા બંધાઈ છે, જયારે નીચામાં નીચો 1500 રૂપિયાનો ભાવ રહેવાની બજાર નિષ્ણાંતો અનુમાન સેવી રહ્યા છે.

કેરીનો પાક બચાવવા ખેડૂતોએ ઘણી કસરત કરી, પણ કૂદરત સામે લાચાર

વાતાવરણના મારને કારણે ખેડૂતોએ આંબાવાડીઓમાં ફળ બચાવવા જંતુનાશક દવાઓ તેમજ ખાતર પાછળ સારો એવો ખર્ચો કર્યો હતો, પણ કુદરત સામે માનવી હંમેશા પાંગળો જ સાબિત થાય છે, ત્યારે ફરી માવઠા અને પવનોએ ખેડૂતોને રાતા પાણીએ રડવાની સ્થિતિ ઉભી કરી છે, પરંતુ મેં અને જુનમાં ખેડૂતો કેરીનો સારો ભાવ મળશે એવી આશા પણ સેવી રહ્યા છે.

Click to comment

Trending

Exit mobile version