સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં ચોરી થતા અનેક સવાલો, ચોરટાઓની ચોરીની કરામત સીસીટીવીમાં કેદ
નવસારી : નવસારીમાં નેશનલ હાઇવે નં. 48 ને અડીને આવેલા મહિન્દ્રા અને હ્યુન્ડાઇ કારના શોરૂમને ગત રાતે ચોર ટોળકીએ નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. શોરૂમ બહાર સીક્યુરીટી ગાર્ડ હોવા છતાં ચોરી થવા સામે અનેક સવાલો ઉભા થયા છે, જોકે ચોરીની ઘટના સીસીટીવી કેમેરાઓમાં કેદ થતા, ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરોનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.
બંને શોરૂમમાંથી કુલ કેટલા રૂપિયાની થઇ ચોરી, પોલીસ ફરિયાદ બાદ થશે સ્પષ્ટ
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 ને અડીને મહિન્દ્રા અને હ્યુન્ડાઇ કારના શોરૂમ આવેલા છે. આ બંને શોરૂમને ગત રાત્રી દરમિયાન મોઢે બુકાની પહેરીને આવેલ ચોરોની ટોળકીએ નિશાન બનાવ્યા હતા. જેમાં મહિન્દ્રા શોરૂમમાં પ્રવેશેલા ચોરોએ તમામ ટેબલને ફંફોસી રોકડા રૂપિયા સાથે જ લેપટોપની ચોરી કરી હોવાનું સામે આવ્યુ હતું. જયારે હ્યુન્ડાઇના શોરૂમમાંથી પણ રોકડા રૂપિયા તેમજ અન્ય કાર એસેસરીઝની ચોરી કરી હતી. સવારે બંને શોરૂમ ઉપર કર્મચારી આવતા જ અદર સામાન વેરવિખેર પડેલો જોતા, શોરૂમમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તરત જ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ટીમ શોરૂમ ઉપર પહોંચી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ બંને શોરૂમના સીસીટીવી કેમેરાઓ તપસ્યા હતા. જેમાં ચોરોની કરતૂત જોઈ, પોલીસે ચોરોનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે બંને શોરૂમમાંથી કેટલા રૂપિયાની ચોરી થઇ એ હજી સ્પષ્ટ થયુ નથી, પણ પોલીસ ફરિયાદ બાદ ચોરીનો આંકડો જાણી શકાશે. ઉલ્લેખનિય છે કે, બંને શોરૂમ બહાર સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં ચોર ટોળકી શોરૂમમાં કેવી રીતે પ્રવેશી એની સામે અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે.