ગોઝારા અકસ્માતમાં ટેમ્પો ચાલક ગંભીર રીતે થયો ઘાયલ, સારવાર હેઠળ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ચીખલી તાલુકાના બલવાડા ગામ પાસે આજે વહેલી સવારે અમદાવાદ તરફ જતો ટેમ્પો ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચતા જ કર્મચારીઓને વાપી કંપનીમાં લઇ જતી ખાનગી બસ સાથે અથડાયો હતો. અકસ્માતમાં ટેમ્પોની કેબીન સહિત પાછળનો ભાગ તૂટીને અલગ થઇ ગયો હતો, જેમાં ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જયારે બસના ચાલક અને કર્મચારીઓ સહિત 18 લોકોને પણ સામાન્ય ઈજાઓ થતા, નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જયારે ઘટના સ્થળે પહોંચેલી ચીખલી પોલીસે હાઇવે પર ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
વાપીની બાયર કંપનીની બસ કર્મચારીઓને લઇ વાપી જઈ રહી હતી
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપીમાં સ્થિત બયાર કંપનીની બસ તેના કર્મચારીઓને લઇને આજે સવારે ચીખલીથી વાપી તરફ જઈ રહી હતી. દરમિયાન નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા નજીકની એક હોટલ પાસે સામેના અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી પુર ઝડપે દોડતા ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવ્યો અને ટેમ્પો ડીવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે ધડાકાભેર ભટકાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જયારે બસ ચાલક સહિત બસમાં સવાર 18 કમર્ચારીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા. સાથે જ ઘાયલોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલા ટેમ્પો ચાલકને વલસાડની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ મળતા જ ચીખલી પોલીસની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત થયેલા વાહનો રસ્તાને કિનારે કરાવી ટ્રાફિક સુચારૂ કરાવ્યો હતો. સાથે જ ઘટના મુદ્દે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ઘાયલોને અપાઈ સારવાર
નેશનલ હાઈવે પર બલવાડા પાસે ટેમ્પો અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ઘાયલોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં બસ ચાલક સહિત ત્રણથી ચાર લોકોને ગંભીર ઈજાઓ જણાઈ હતી. જયારે બાકીનાને સામાન્ય ઈજાઓ હોવાથી સારવાર આપી રજા આપવામાં આવી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.