બંને આરોપીઓ લોખંડની એંગલ ક્યાંથી લાવ્યા એ વિષે તપાસને વેગ આપ્યો
નવસારી : નવસારીના ઇટાળવા સિસોદ્રા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે લોખંડની એંગલ ટેમ્પોમાં ભરીને લઇ જવાતી હોવાની બાતમીને આધારે નવસારી LCB પોલીસે કિયા શોરૂમ પાસેથી 1.13 લાખ રૂપિયાની લોખંડની એંગલ ભરેલ ટેમ્પો સાથે બેની ધરપકડ કરી હતી. જયારે તેમની સાથે સંડોવાયેલા ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે એંગલ સાથે કુલ 3.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચના HC લલિત અશોક અને HC મહેન્દ્રસિંહ નારાયણસિંહને બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લોખંડની એંગલ ભરીને બારડોલી તરફ જનાર છે. જેથી પોલીસની ટીમે નવસારીના ઇટાળવાથી સિસોદ્રા તરફ જતા માર્ગ પર કિયા શોરૂમ નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, ટેમ્પો ચાલક પાસેથી લોખંડની એંગલ વહન કરવા અંગેના બીલ માંગ્યા હતા. પરંતુ ટેમ્પો ચાલક બીલ મુદ્દે આનાકાની કરવા લાગતા પોલીસને શંકા ગઈ હતી, જેથી પોલીસે ટેમ્પોમાં સવાર નવસારીના બારડોલી રોડ પર મેઘદૂત સોસાયટીમાં રહેતા 28 વર્ષીય રાહુલ ભરવાડ અને 25 વર્ષીય ભૂપત ભરવાડની અટક કરી, LCB ખાતે લઇ આવ્યા હતા. જેમની પૂછપરછમાં તેમની સાથે વધુ ત્રણ લોકો જોડાયેલા હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે રાહુલ અને ભૂપતની ધરપકડ કરી, તેના સાથીદારો મેઘદૂત સોસાયટીમાં જ રહેતા રાજુ ભરવાડ, કબીલપોર ખાતે રહેતા વિશાલ મારવાડી અને સતીષને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઘટના સ્થળેથી 2840 કિલો લોખંડની એંગલ સાથે 10 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન અને 2 લાખનો ટેમ્પો મળીને કુલ 3.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, આરોપીઓને ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા.