નવસારી : પોલીસથી બચવા બુટલેગરો અને ખેપિયાઓ અનેક તરકીબ અપનાવતા હોય છે, જેમાં ઘણીવાર સફળ થાય, તો ઘણીવાર પોલીસના હાથે પકડાઇ પણ જાય છે. નવસારીના પારસી આધેડ પોતાના મિત્ર સાથે ઇકો કારની પેટ્રોલ ટેંકની નીચે ચોરખાનું બનાવી, તેમાં 14 હજારથી વિદેશી દારૂ લાવવા જતા નવસારી LCB ના હાથે પકડાઇ ગયો હતો.
પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત કુલ 2.20 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. જેમાં પોલીસની નજરથી બચવા બુટલેગરો અને ખેપિયાઓ વાહનોમાં ચોરખાના બનાવવા સાથે જિલ્લાના આંતરિક રૂટનો પણ ઉપયોગ કરે છે અથવા ઘણીવાર વાહનો બદલી બદલીને વિદેશી દારૂને ગંતવ્ય સુધી પહોંચાડે છે. જોકે પોલીસ પણ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ રાખી, દારૂની હેરાફેરી રોકવાના પ્રયાસમાં હોય છે, ત્યારે આજે નવસારી LCB પોલીસના કોન્સ્ટેબલ મનોજ સમાધાનને બાતમી મળી હતી કે, સફેદ રંગની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો નવસારી શહેરમાં આવનાર છે. જેને આધારે પોલીસે નવસારીના ગ્રીડથી મામલતદાર કચેરી નજીકથી લુન્સીકુઈ તરફ જતા માર્ગ પર દશેરા ટેકરીના ગણેશ ચોક પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસે તેને અટકાવી હતી અને તપાસ કરતા પોલીસને કારમાં કંઈ મળ્યુ ન હતુ. પરંતુ બાતમી પાક્કી હોય, પોલીસે બારીકાઇથી તપાસતા કારનાં નીચેના ભાગે પેટ્રોલ ટેંકની નીચે પતરાથી બનાવેલા ચોરખાનામાંથી 14,625 રૂપિયાની નાની-મોટી વ્હીસ્કીની 59 બાટલી મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને નવસારી એસ. ટી. ડેપો નજીક આવેલ આવાબાગમાં રહેતા 64 વર્ષીય યઝદી કેક્સરૂ પાતરાવાલા તેમજ તેના મિત્ર અને શહેરના દશેરા ટેકરીમાં રહેતા નરેશ નાથુ પટેલની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 5500 રૂપિયાના બે મોબાઇલ ફોન અને 2 લાખ રૂપિયાની કાર મળી કુલ 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ટાઉન પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે તપાસને વેગ આપ્યો છે.