નિરીક્ષણ દરમિયાન જિલ્લામાં ગુનાખોરી કંટ્રોલમાં હોવાનો સંતોષ વ્યક્ત કર્યો
નવસારી : નવસારી જિલ્લા પોલીસના વાર્ષિક નિરક્ષણ અર્થે સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક નવસારીની મુલાકાતે હતા. પોતાની મુલાકત દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી, નવસારી જિલ્લામાં ગુનાખોરીના ગ્રાફ વિષે માહિતી મેળવી હતી.
માર્ગ સલામતી અને સાયબર ક્રાઇમ ઉપર વિશેષ ધ્યાન અપાશે
પોલીસ વિભાગમાં થતી કામગીરી ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવતું હોય છે, જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુધારવામાં મદદ મળી શકે. જિલ્લા સ્તરે અલગ અલગ વિસ્તારમાં કાર્યરત પોલીસ મથકોનું નિરીક્ષણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવતુ હોય છે. જ્યારે જિલ્લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા રેંજના વડા અધિકારી પોલીસ મહાનિરીક્ષક દ્વારા થતી હોય છે. ત્યારે આજે સુરત રેંજના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સીંગ નવસારીના મહેમાન બન્યા હતા. IG પ્રેમવીર સીંગ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. સાથે જ IG પ્રેમવીર સિંગે પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ પાસેથી જિલ્લાની ગતિવિધિઓની માહિતી મળવવા સાથે જ ગુનાખોરીમાં જિલ્લા પોલીસની કામગીરી વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે જ SP અને DySP સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી, તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અને આંતરિક માર્ગો પર થતા અકસ્માતો અટકાવવા એટલે માર્ગ સલામતી તેમજ ડિજીટલ યુગમાં નવા ગુનાઓ એટલે સાયબર ક્રાઈમ ઉપર વિશેષ ધ્યાન આપવા મુદ્દે ચર્ચા સાથે માર્ગદર્શન પણ આપ્યુ હતુ. જેની સાથે જ આગામી 4 જૂનના રોજ લોકસભા ચુંટણી અંતર્ગત થવા જઈ રહેલી મતગણતરી સંદર્ભે પણ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જોકે જિલ્લાની કામગીરીથી રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સીંગ પ્રભાવિત થયા હતા અને જિલ્લામાં ગુનાખોરી કંટ્રોલમાં હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.