દક્ષિણ-ગુજરાત

આગામી 4 દિવસ ભારે પવનો સાથે વંટોળની આગાહી : દરિયા કાંઠા સહેલાણીઓ માટે બંધ

Published

on

ભારે પવનો સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવનાને જોતા લોકોને સતર્ક રહેવા સૂચના

નવસારી : અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશર અને રેમલ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટને કારણે નવસારીમાં આગામી ચાર દિવસો દરમિયાન ભારે પાવનો ફૂંકાવા તેમજ ધૂળની ડમરીઓ ઉડવા સાથે મીની વાવાઝોડાનો અનુભવ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જેથી જિલ્લા કલેકટર દ્વારા સુરક્ષાને ધ્યાને રાખીને જિલ્લાના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળોએ સહેલાણી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને પણ સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.

દરિયામાં પવનોની ઝડપ વધુ રહેવાની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. ઉનાળો તેના અંત તરફ છે અને ચોમાસુ શરૂ થવાની રાહ જોવાઇ રહી છે. ત્યારે દરિયામાં ઊઠેલા રેમલ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ જોવામાં આવી રહી છે. સાથે જ અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી છેલ્લા બે દિવસોથી પવનોની ઝડપ પણ વધી છે, ત્યારે 30 મે ગુરૂવારથી બે જૂન રવિવાર સુધી ચાર દિવસો દરમિયાન પવનો સાથે વંટોળ ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને જોતા નવસારી જિલ્લા તંત્ર સતર્ક થયું છે. આજે નવસારી જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગની આગાહી સંદર્ભે નવસારી જિલ્લામાં આગામી ચાર દિવસો દરમિયાન પવનો સાથે વંટોળ ફૂંકાવાની સંભાવનાને જોતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરાઇ છે. સાથે જ જિલ્લા ના 52 કિલોમીટરના દરિયા કાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટ પ્રવાસન સ્થળો તેમજ અન્ય દરિયા કાંઠા વિસ્તારોમાં સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ખાસ કરીને દરિયા કાંઠે 30 km થી વધુ અને દરિયામાં 50 km થી વધુ પવન ફૂંકાવાની સંભાવનાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ભારે પવનો સાથે ધૂળની ડમરીઓનું વંટોળ ફૂંકાવાની આગાહીને જોતા સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Click to comment

Trending

Exit mobile version