નવસારી LCB પોલીસે ઘટના સ્થળેથી 41 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
નવસારી : નવસારી શહેરના પ્રવેશ દ્વાર એવા વિરાવળ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા 5 જુગારીયાઓને નવસારી LCB પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી, પાંચેયની ધરપકડ કરી હતી.
નઝીર શેખ પોતાના ફ્લેટમાં બહારથી લોકો બોલાવી જુગાર રમાડતો હતો
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ નવસારી શહેરમાં જુગાર સહિતની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે પ્રયત્નમાં હતી. દરમિયાન ASI સુનિલસિંહ દેવીસિંહ અને PC અર્જુન પ્રભાકરને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં જાદેવ એપાર્ટમેન્ટના પ્રથમ માળે ફ્લેટ નં. 102 માં રહેતો નઝીર શેખ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે. જેના આધારે ગત રાતે નવસારી LCB ની ટીમે નઝીર શેખના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન ઘરમાં રૂપિયા ઉપર હાર જીતનો તીનપત્તીનો જુગાર રમતા 62 વર્ષીય નઝીર શેખ, તરોટા બજારના સાંગાવાડમાં રહેતો 53 વર્ષીય મજીદખાન પઠાણ, ટેકનિકલ સ્કૂલ સામે કાગદીવાડમાં રહેતો 59 વર્ષીય ફારૂખ શેખ, તીઘરા નવી વસાહત ખાતે રહેતો 53 વર્ષીય શબ્બીર મુલતાની અને છાપરા રોડ જૂની સ્ટર્લીંગ એપાર્ટમેન્ટમાં રહેતો 77 વર્ષીય બાબુ પટેલ રંગે હાથ પકડાયા હતા. જેથી પોલીસે પાંચેયની ધરપકડ કરી ઘટના સ્થળેથી અંગઝડતી અને દાવમાં લગાવેલા 11,200 રોકડા અને 30,500 ના ચાર મોબાઈલ ફોન મળી કુલ 41,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ નવસારી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપી છે.