નવસારી : ગુજરાતના પાટણ જિલ્લાથી નાના-મોટા 397 બકરા ભરીને મુંબઇ જવા નિકળેલી ત્રણ ટ્રકને બાતમીને આધારે ચીખલી પોલીસે દેગામ સ્થિત બે હોટલોના પાર્કિંગમાંથી પકડી પાડી, ઘાસચારા વિના ક્રૂરતા પૂર્વક ભરેલા બકરાને છોડાવ્યા હતા. સાથે જ બે ટ્રક ચાલક સાથે 5 ની ધરપકડ કરી હતી, જયારે ઘટના સ્થળેથી ભાગી છુટેલા એક ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે બચાવેલા બકરાને વાપી સ્થિત પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.
પોલીસે 5 લાખના બકરા મળી કુલ 21.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાથી નાના મોટા બકરા ભરીને નિકળેલી ત્રણ ટ્રકો નેશનલ હાઇવે નં. 48 પરથી થઇ મુંબઇ તરફ જઈ રહી હતી, જે નવસારીના દેગામ ગામ નજીક આવેલ ગુજરાત હોટલ અને મેટ્રો હોટલમાં ઉભી હતી, જેની બાતમી મળતા જ ચીખલી પોલીસની ટીમ ગુજરાત હોટલના પાર્કિંગમાં પહોંચી હતી, જ્યાં બે ટ્રકમાં કુલ 106 મોટા બકરા ક્રુરતા પૂર્વક ભરેલા હતા અને તેમના માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ટ્રકમાં રાખવામાં આવી ન હતી. જેથી પોલીસે બંને ટ્રક કબ્જે લઇ, બાજુની મેટ્રો હોટલના પાર્કિંગમાં જઈ તપાસ કરતા ત્રીજી ટ્રક પણ મળી આવી હતી, જેમાં ખીચોખીચ 291 નાના બકરા ભરેલા મળ્યા હતા. જેથી પોલીસે ઘટના સ્થળેથી નાના મોટા મળી કુલ 397 બકરાઓને બચાવ્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી ટ્રક ચાલક 32 વર્ષીય મોહસીન સુમરા, 28 વર્ષીય પ્રહલાદજી ઠાકોર, ક્લીનર 29 વર્ષીય પીરોજખા ખોખર, ટ્રકમાં ભરેલ બકરા માલિક 32 વર્ષીય મીરખાન બલોચ અને મજૂર 29 વર્ષીય અખ્તરખા બલોચની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી ભાગી ગયેલ ટ્રક ચાલક રામધનખાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 5.03 લાખ રૂપિયાના 397 બકરાઓ તેમજ ત્રણ ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ 21.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની તપાસને વેગ આપ્યો હતો. જયારે 3 ટ્રકમાંથી બચાવેલા તમામ બકરાને વાપી સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.