ભાજપ અને કોંગ્રેસની પાછલી ચુંટણીની ટકાવારી પણ ભાજપની જીત તરફ કરે છે ઇશારો
વલસાડ : લોકસભા ચુંટણી 2024 ના સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયુ છે અને 4 જૂને મત ગણતરી થશે. પરંતુ એ પૂર્વે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં મોટાભાગનાએ ગુજરાતમાં ભાજપ 26 બેઠકો કબ્જે કરશેનું આકલન કર્યુ છે. જેમાં પણ C Voter ના સ્થાપક યશવંત દેશમુખનાં આકલન પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની બેઠકો સૌથી વધુ માર્જીનથી ભાજપનાં ખોળે જઈ રહી હોય એવું લાગી રહ્યુ છે, જેમાં વલસાડ લોકસભા બેઠક પણ ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે. જોકે પાછલી ચુંટણીઓની ટકાવારીને જોવામાં આવે, તો પણ કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ટકાવારી પણ વલસાડ લોકસભામાં ભાજપની જીત તરફ ઇશારો કરે છે.
વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ સાથે રસાકસી ખરી, પણ ભાજપ બાજી મારશે
લોકસભા ચુંટણી 2024 માં વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આદિવાસીઓના નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. કારણ ગત વર્ષોમાં અનંત પટેલે વિવિધ આંદોલનો થકી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં લોકચાહના બનાવી હતી. સામે ભાજપે પણ જુના મહારથીઓને બાજુએ મુકી આદિવાસીઓને જાણનારા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતૃત્વ સાથે ઘડાયેલા ધવલ પટેલને પોતાના યોદ્ધા તરીકે ઉતાર્યા હતા. બંને વચ્ચે ભારે રસાકસી રહી અને જેના પરિણામ સ્વરૂપ મતદાનમાં મતદારોએ પણ આકરા તાપમાં 72.71 ટકા મતદાન કરી, રાજકિય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. પરંતુ પાછલા વર્ષોની ચુંટણીઓના પરિણામોને જોતા ભાજપ વલસાડ લોકસભા બેઠક ઉપર મજબૂત લાગી રહી હતી. જેમાં પણ જયારે લોકસભા ચુંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને દેશની મોટાભાગની એજન્સીઓએ પોતાના સંશોધન બાદ જાહેર કરેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતશેનો દાવો કર્યો છે. જેમાં પણ C Voter નું ચુંટણી પરિણામને લઇને થતુ આંકલન વાસ્તવિક મતદાનની નજીક અને ચોક્કસ માનવામાં આવે છે. ત્યારે C Voter ના સ્થાપક યશવંત દેશમુખે Hexilon News સાથે કરેલી વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવશે, જોકે બે ત્રણ બેઠકો ઉપર થોડી દ્વિઘા છે. પરંતુ દક્ષિણ ગુજરાતની બેઠકોમાં ભાજપ સૌથી વધુ મતોની લીડ મેળવશે. જેમાં રસાકસી ભરેલી વલસાડ બેઠક ઉપર ભાજપ પોતાના 5 લાખના ટાર્ગેટ નજીક રહેશે એવી સંભાવના દેખાઈ રહી છે.
1998 થી 2019 સુધીમાં ભાજપનો વોટ શેર 14 ટકા વધ્યો, એક આકલન મુજબ ધવલ પટેલ 3 લાખથી વધુની લીડથી જીતશે
વલસાડ લોકસભાની એક ખાસિયત રહી છે કે, અહીંથી જે પણ પક્ષનો ઉમેદવાર જીતે, કેન્દ્રમાં એજ પક્ષની સરકાર બને છે. ત્યારે પાછલા વર્ષોની ચુંટણીના આંકડાઓ ઉપર નજર કરીએ તો વર્ષ 1998 માં થયેલી લોકસભા ચુંટણીમાં ભાજપના મણી ચૌધરીએ 2,90,312 મતો અને તેમની સામે કોંગ્રેસના ઉત્તમ પટેલે 2,73,036 મેળવ્યા હતા. જેમાં ભાજપના મણી ચૌધરી 17,276 મતોની લીડથી જીત્યા હતા. ત્યારબાદ 1999 માં ફરી ચુંટણી થઇ અને ત્યારે પણ ભાજપના મણી ચૌધરીને 3,00,195 મતો અને સામે કોંગ્રેસના ઉત્તમ પટેલ 2,73,409 મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉત્તમ પટેલને 1998 માં મળેલા મતોમાં ફક્ત 373 મતો વધુ મળ્યા હતા અને ભાજપના મણી ચૌધરી 26,788 મતની લીડથી જીત્યા હતા. જોકે 2004 માં વલસાડની હવા બદલાઇ, જેમાં કોંગ્રેસના કિશન પટેલ સામે મણી ચૌધરી 44,486 મતોની લીડથી હાર્યા હતા. પરંતુ પાંચ વર્ષો બાદ મતદારોનો મિજાજ થોડો બદલાયો, જેમાં 2009 માં કોંગ્રેસના કિશન પટેલ સામે ભાજપના ડૉ. ડી. સી. પટેલ ફક્ત 7,169 મતોથી જ હાર્યા હતા. જેથી ભાજપ 2009 માં જ ફરી મજબૂત થઇ હતી, ત્યારબાદ વર્ષ 2014 માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના કિશન પટેલને 2,08,004 મતોની લીડથી માત આપી હતી. જેમાં વર્ષ 2019 ની લોકસભા ચુંટણીમાં અંદાજે 75 ટકાનો વધારો થયો અને ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,54,132 મતોની લીડથી હરાવ્યા હતા. જેથી ગત લોકસભા ચુંટણીઓના આંકડાઓ પ્રમાણે 1998 માં ભાજપની મતોની ટકાવારી 47.20 ટકા હતી, જે 21 વર્ષોમાં એટલે 2019 માં 14.05 ટકા વધીને 61.25 ટકા થઇ હતી. જેથી કોંગ્રેસના અનંત પટેલ માટે ભાજપની 61 ટકાથી વધુની લોકચાહના તોડવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. બીજી તરફ અનંત પટેલની લોકચાહના સામે ભાજપની સંગઠનાત્મક રણનીતિ અને નરેન્દ્ર મોદી પ્રત્યેની લોકોમાં લાગણી જોતા ભાજપના ધવલ પટેલની 3 લાખથી વધુ મતોથી જીતવાની સંભાવના વધી જાય છે.