નવસારી SOG પોલીસે 30 હજારની પ્રતિબંધિત ઈ સિગારેટ કબ્જે કરી
નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં 4 દિવસ અગાઉ નવસારી SOG પોલીસે જનરલ સ્ટોરના દુકાનદારને પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટ વેચવાના ગુનામાં પકડ્યા બાદ ઈ સિગારેટ આપતા સુરતના વોન્ટેડ આરોપીને પણ આજે નવસારીના ગ્રીડ નજીકથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે અઠવાડિયામાં બે આરોપીને પકડી 62 હજારની પ્રતિબંધિત ઈ સિગારેટ કબ્જે કરી
મળતી માહિતી અનુસાર, નવસારી SOG પોલીસે ગત 31 મે, ના રોજ બાતમીને આધારે નવસારીના બીલીમોરા શહેરમાં દેસરા વિસ્તારમાં આવેલી સાકરીવાલા જનરલ સ્ટોરમાં પ્રતિબંધિત અને હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દુકાનદાર ફૈયાઝ હિંગોરાની ધરપકડ કરી હતી. જેની પાસેથી 32 હજારની પ્રતિબંધિત ઈ સિગારેટ પણ પોલીસે કબ્જે કરી, સુરતના મોઈનને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન નવસારી SOG પોલીસની ટીમ નેશનલ હાઇવે નં 48 પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીને આધારે નવસારીના ગ્રીડ નજીક પ્રતિબંધિત ઈ સિગારેટ લઈને આવતા વોન્ટેડ આરોપી અને સુરતના રાંદેર સ્થિત નિશાંત સોસાયટીના ગરીબ નવાઝ ટેનામેન્ટમાં રહેતા 20 વર્ષીય મોઇનુદ્દીન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોઈનુદ્દીન પાસેથી 30 હજાર રૂપિયાની પ્રતિબંધિત ઈ સિગારેટ કબ્જે લઈ, તેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે બીલીમોરા પોલીસને સોંપ્યો હતો.