શાકભાજીની દુકાનમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વિના રાખ્યા હતા ફટાકડા
નવસારી : રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ પણ લોકો સુધારવાનું નામ નથી લેતા. આવી જ ઘટના નવસારીમાં સામે આવી છે. શહેરના તીઘરા વિસ્તારમાં લાઇસન્સ અને ફાયર સેફ્ટી વિના ફળ અને શાકભાજીની દુકાનમાં પાછળના ભાગે 1.28 લાખનો ફટાકડા જથ્થો ભરી રાખ્યો હતો. જેને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી દુકાનદારની ધરપકડ કરી છે.
નવસારીના તીઘરા સ્થિત શાકભાજી અને ફળની દુકાનમાં પાછળના ભાગે રાખ્યો હતો ફટાકડાનો જથ્થો
રાજકોટના ગેમ ઝોનમાં એક્સપ્લોઝિવને કારણે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતુ. જે આગમાં 28 થી વધુ જિંદગી હોમાઈ ગઈ હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર કડકાઈથી દરેક સ્તરે પગલા ભરી રહી છે. તેમ છતાં નવસારીમાં દુકાનમાં એક્સપ્લોઝિવ ભર્યા હોવા છતાં પણ દુકાનદાર સામાન્ય પણે વર્તી રહ્યો હતો. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી બાતમીને આધારે શહેરના તીઘરા વિસ્તારમાં આવેલ ફળ અને શાકભાજીની દુકાનની પાછળ છાપો મારતા વગર લાઇસન્સ અને ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા રાખ્યા વિના મૂકવામાં આવેલા 1.28 લાખ રૂપિયાના ફટાકડાનો જથ્થો કબ્જે કર્યો હતો. હાલમાં ગરમી વધુ છે, કોઈ સ્પાર્ક થાય અને ફટાકડામાં આગ લાગે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી. ત્યારે SOG પોલીસે ફટાકડાના જથ્થા સાથે બેજવાબદારી પૂર્વક ગેરકાયદેસર રીતે ફટાકડા રાખનાર દુકાનદાર 30 વર્ષીય સૂરજ સોનકરની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તપાસને વેગ આપ્યો છે.