કાર તળાવને કિનારે અટકી જતા, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ
નવસારી : નવસારીના ઇટાળવાથી છાપરા જતા માર્ગ પર આજે સાંજે એરૂ તરફ જઈ રહેલી એક કાર સામે અચાનક ઢોર આવી ચડતા, કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ઉતરી ગઈ હતી. ઘટનામાં કાર તળાવ કિનારે જ અટકી જતા, કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
નવસારી પાલિકા ઢોર પકડવાની કામગીરીના બણગા ફૂંકે, પણ વાસ્તવિકતા અલગ
નવસારી શહેરના ઇટાળવાથી છાપરા જતા માર્ગ ઉપર આજે સાંજે એક કાળા રંગની ઓરા કાર એરૂ તરફ જઈ રહી હતી, દરમિયાન દાંતેજ પાસે એક ગાય અચાનક રસ્તા પર આવી ચડી હતી. જેના કારણે કાર ચાલકે પણ ગાય સાથે અકસ્માત થતો અટકાવવા સ્ટીયરીંગ ફેરવ્યુ અને બચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવની પાળે લગાવેલ ફેન્સીંગ તોડીને તળાવમાં ઉતરી ગઈ હતી. જોકે નસીબ સંજોગે કર તળાવનાં ઉંડા પાણીમાં નહીં, પણ કિનારે જ અટકી જતા કારમાં સવાર લોકોનો જીવમાં જીવ આવ્યો હતો. ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક તળાવ કિનારે ઉતરી કારમાં સવાર તમામ લોકોને બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતા નવસરી ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનિય છે કે, નવસરી વિજલપોર પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરાતી હોવાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ થોડા સમયની કામગીરી બાદ પાલિકા પણ આળસ કરીને બેસી રહે છે. જેના કારણે શહેરમાં રખડતા ઢોરની સંખ્યામાં કોઈ ઘટાડો આવતો નથી. ક્યારેક પશુ પલકો પણ પોતાના ઢોર ચરાવવા જતા અથવા ચરાવીને આવતા સમયે પણ ઢોર ઉપર પુરતું ધ્યાન આપતા ન હોવાથી ઢોર પોતાની મન મરજીથી ગમે ત્યાં ફરતા રહે છે. જેના કારણે વાહનોથી ધમધમતા રસ્તાઓ ઉપર અકસ્માતની ધટના પણ બની જતી હોય છે. જેથી પાલિકા રખડતા ઢોર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે એજ શહેરીજનોની લાગણી રહી છે.