નવસારી : નવસારી શહેરમાં રોફ જમાવવા અને સાયલેન્સર બદલી ઘોંઘાટ સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા બુલેટ બાઈક લઈને ફરતા ચાલકોને વિશેષ ડ્રાઇવ દરમિયાન નવસારી જિલ્લા પોલીસે તપાસ્યા હતા. જેમાં પોલીસે 35 બુલેટ બાઈક ડીટેઇન કરી કાર્યવાહી કરતા રોફ જમાવવા ફરતા યુવાનોમાં સોપો પડી જવા પામ્યો છે.
નવસારી શહેર અંતર્ગત આવતા 4 પોલીસ મથક વિસ્તારમાં થઈ કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં અનેક જગ્યાએ યુવાનો ઘોંઘાટ કરતા બાઈક સાથે વાહન ચલાવતા જોવા મળે છે, જેમાં પણ સવારે અને સાંજના સમયે શહેરના લુન્સીકુઈ, દુધિયા તળાવ, નવસારી પાલિકા, રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં રાહદારીઓ પણ તેમનાથી કંટાળ્યા હતા. જેની ફરિયાદો પોલીસને અવારનવાર મળતી રહી હતી. જેથી નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા નવસારી શહેર અને જિલ્લામાં વિશેષ બુલેટ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં રોફ જમાવવા અને સાયલેન્સર બદલીને ઘોંઘાટ કરતા બુલેટ બાઈકને ચકાસવામાં આવ્યા હતા. પોલીસની આ ડ્રાઇવ દરમિયાન નવસારી ટાઉન પોલીસે 4, નવસારી ગ્રામ્ય પોલીસે 19, વિજલપોર પોલીસે 7 અને જલાલપોર પોલીસે 5 બુલેટ મળી, નવસારી શહેરી વિસ્તારમાંથી કુલ 35 બુલેટ બાઈક, ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોવાથી ડીટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીને જોતા શહેરમાં રોફ જમાવવા નીકળી પડતા યુવાનોમાં સોપો પડી જવા પામ્યો છે.