અપરાધ

જલાલપોરમાં ગેરકાયદેસર રીતે LPG ગેસ સિલિન્ડર વેચતો આધેડ ઝડપાયો

Published

on

નવસારી SOG પોલીસે 18 હજારના 14 ગેસ સિલિન્ડર કબ્જે કર્યા

નવસારી : નવસારીના જલાલપોર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીના LPG ગેસ સિલેન્ડર રાખી, તેનું વેચાણ કરતા આધેડને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી 18000 ના ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા.

આરોપી મનસુખ પાસે ગેસ સિલિન્ડર વેચવાનું લાયસન્સ પણ ન હતુ

મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોરના ગૌરીશંકર મોહલ્લામાં રહેતો મનસુખ ભુવા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે LPG ગેસના સિલિન્ડર મેળવી, તેના ઉપર પોતાનું કમિશન ચઢાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે નવસારી SOG પોલીસે મનસુખ ભુવાની કેબીનમાં છાપો માર્યો હતો. છાપા દરમિયાન મનસુખ પાસે LPG ગેસ સિલિન્ડર વેચાણ કરવાનું અધિકારીક લાઇસન્સ ન હતુ, સાથે જ કેબીનમાં ફાયર સેફટીનો પણ અભાવ હતો. જેથી પોલીસે મનસુખ ભુવાની ધરપકડ કરી, ઘટના સ્થળેથી ભારત ગેસ કંપનીના 5 ભરેલા ગેસ સિલિન્ડર અને 3 ખાલી સિલિન્ડર, સાથે ભારત ગેસનો એક કોમર્શિયલ સિલિન્ડર, ઇન્ડિયન ગેસ કંપનીનો એક ઘરેલુ ગેસ સિલિન્ડર મળી 18 હજાર રૂપિયાના કુલ 14 ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. SOG પોલીસે આવશ્યક ચીજ વસ્તુની કલમો હેઠળ જલાલપોર પોલીસ મથકે ગુનો નોંધાવી, આરોપી મનસુખ ભુવાને વધુ તપાસ અર્થે જલાલપોર પોલીસને સોંપ્યો છે.

મનસુખ ભુવા લોકોના વધારાના ગેસ સિલિન્ડર મેળવી કરતો હતો ધંધો

પકડાયેલો આરોપી મનસુખ ભુવા છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર રીતે LPG ગેસના ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડર મેળવી, તેનું ગૌરીશંકર મોહલ્લા આસપાસના વિસ્તારોમાં વેચાણ કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મનસુખ ભુવાએ જેની પાસે એક થી વધુ ગેસ સિલિન્ડર હોય, તેમની પાસેથી ગેસ સિલિન્ડર મેળવી, તેના ઉપર ગેસ એજન્સીઓમાંથી ગેસ સિલિન્ડર મેળવતો હતો અને હોમ ડિલિવરી સાથે પોતાની દુકાનેથી પણ ગેસ સિલિન્ડરનું વેચાણ કરતો હતો. મનસુખ ગેસ સિલિન્ડર ઉપર 150 થી 200 રૂપિયાનું કમિશન પણ લેતો હતો. જોકે મનસુખ સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ..? તેમજ ગેસ એજન્સીનું કોઈ કનેક્શન છે કે કેમ..? એ મુદ્દે તપાસ બાદ જ ખરી હકીકત સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version