નવસારી : નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો ભારે ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે ગત મોડી રાતે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ સાથે જ મેઘરાજાની પધરામણી થઈ હતી. નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ વરસતા ઠંડક પ્રસરવા સાથે લોકોએ રાહત અનુભવી હતી.
શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ કેટલીક જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાયા
વાતાવરણમાં સતત વધતી ગરમી લોકોને અકડાવી રહી છે. નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાયુ વાતાવરણ રહેતા ભારે ઉકડાટ અનુભવાતો હતો. હવામાન વિભાગે પણ નવસારીમાં છૂટો છવાયો વરસાદ પડે એવી આગાહી કરી હતી, પરંતુ વરસાદ વરસવાનું નામ લેતો ન હતો અને લોકો ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા હતા. ત્યારે ગત મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવનો સાથે નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ ચોમાસાના પહેલા વરસાદમાં માટીની ભીની ખુશ્બુ પ્રસરતા વાતાવરણ આહ્લાદક બની ગયુ હતું. વરસાદી માહોલ બનતા ગરમીને કારણે બફારા અને અનુભવ કરતા લોકોને મોટી રાહત મળી હતી. ઘણા લોકો તો ખાસ વરસાદમાં ભીંજાવા નીકળી પડ્યા હતા. જોકે હવામાન વિભાગની આગાહી હજી પણ છે અને નવસારીમાં આજે પણ કાળા ડીબાંગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે. પરંતુ રાત બાદ વરસાદ ન રહેવાને કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વરસાદ વરસે અને મેઘરાજાના આશીર્વાદથી ઠંડક પ્રસરે એવી લોકોમાં આશા જાગી છે.