નેશનલ હાઇવે નં. 48 પર ધારાગીરી નજીકથી LCB એ ઝડપી પાડ્યો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી રોજના લકહોનો વિદેશી દારૂ ગુજરાતમાં હેરાફેરી થાય છે. ત્યારે આજે નવસારી LCB પોલીસે બાતમીને આધારે નવસારીના ધારાગીરી પાસેથી એક કારમાંથી 2.73 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરાવી વડોદરા લઈ જવાતો હતો
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના હાઇવે અને આંતરિક માર્ગો પરથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. જેને રોકવા માટે નવસારી LCB પોલીસની ટીમ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી, દારૂ પકડવાના પ્રયાસોમાં હતી. દરમિયાન HC લાલુસિંહ ભરતસિંહ અને HC દિગ્વિજયસિંહ રવજીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, સેલવાસથી એક મારૂતિ સુપર ચેરી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે. જેને આધારે LCB પોલીસની ટીમે નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ધારાગીરી પાસેના ઓવરબ્રિજના ઉત્તર છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી 2.73 લાખ રૂપિયાની વ્હિસ્કી બિયરની કુલ 972 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને મહારાષ્ટ્રના નાલાસોપારા ઇસ્ટ ખાતે શ્રીપદમાં નિવાસ ચાલમાં રહેતા 32 વર્ષીય રાહુલ અંબિકાપ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી અજાણ્યા ઈસમે ભરાવી આપ્યો હતો અને તેને વડોદરાના નિકુંજને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે નિકુંજ અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 4 લાખ રૂપિયાની કાર અને 18 હજારના બે મોબાઈલ ફોન મળી કુલ 6.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસને વેગ આપ્યો છે.