ગુજરાત

વલસાડના સાંસદની માનવતા : વાંસદાના અત્યાચારી કોન્ટ્રાક્ટરની ચુંગાલમાંથી આદિવાસી મજૂરોને બચાવ્યા

Published

on

કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોને રાખી ભોજન અને મજૂરી નહીં આપી કોન્ટ્રાકટર કરતો હતો અત્યાચાર

નવસારી : માનવને માનવ પ્રત્યેની કરૂણા જ મહાન બનાવતી હોય છે. પરંતુ ઘણીવાર માનવ ક્રૂર બની જાય છે અને પોતાનાથી નબળા ઉપર અત્યાચાર કરે છે. આવી જ ઘટના નવસારીના વાંસદાની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર જોવા મળી છે. જ્યાં નિર્દય કોન્ટ્રાક્ટર આદિવાસી મજૂરોને ભોજનની વ્યવસ્થા વિના રાખી તેમની મજૂરી પણ ન આપીને અત્યાચાર કરી રહ્યો હતો. જોકે નિર્દય કોન્ટ્રાક્ટરને વલસાડના સાંસદ ધવલ પટેલે વાંસદા પોલીસની મદદથી પાઠ ભણાવ્યો છે. મજૂરો પ્રત્યેની પીડા ધવલ પટેલની કરૂણા અને પોલીસ કાર્યવાહીને કારણે મજૂરોને ભોજન અને મજૂરી પણ મળી, સાથે વતન મોકલવાની વ્યવસ્થા ગોઠવી માનવતા મહેકાવી છે.

વલસાડના સાંસદ ધવલ પટેલને જાણ થતા જ વાંસદા પોલીસને મોકલી મજૂરોની કરી મદદ

નવસારીના વાંસદા નજીક વઘઈ માર્ગ ઉપર છેલ્લા થોડા મહિનાઓથી સ્વીટ હોમ રેસીડેન્સીની કન્સ્ટ્રકશન સાઈટ ચાલી રહી છે. જેનું કામ રાજસ્થાની કોન્ટ્રાક્ટર પરમાનંદ પ્રજાપતિએ રાખ્યું હતુ અને તેણે પેટા કોન્ટ્રાક્ટ રાજસ્થાનના ધારવાડના અમલી ખેડાના માંગીલાલ નાડને આપ્યો હતો માંગીલાલે રાજસ્થાનના બાસવાડાના આદિવાસી મજૂર ગંગુબેન નીનામા, ગોવિંદ મહિડા અને લક્ષ્મીબેન ડામોર તેમજ ડાંગના જીગ્નેશને કડિયા કામ સહિત અન્ય મજૂરી માટે લાવીને રાખ્યા હતા. પરંતુ છેલ્લા થોડા દિવસોથી માંગીલાલે આ ચારેય મજૂરો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું હતું. ખાસ કરીને રાજસ્થાનના મજૂરો માટે ભોજનની વ્યવસ્થા નહીં કરી, તેમને મજૂરીના રૂપિયા પણ આપતો ન હતો અને કામ કરાવ્યે જતો હતો. જેથી મજૂરોની સ્થિતિ કફોડી બની હતી. દરમિયાન મજૂરોએ સ્થાનિક વ્યક્તિ સામે પોતાની વ્યથા ઠાલવી, તો વાત વલસાડના સાંસદ ધવલ પટેલ સુધી પહોંચી હતી. મજૂરોની પરિસ્થિતિની જાણ થતા જ ધવલ પટેલે મજૂરો પ્રત્યે કરૂણા દાખવી, તાત્કાલિક વાંસદા પોલીસને ઘટનાની જાણ કરી, મજૂરોને બચાવવાની સૂચના આપી હતી. સ્વીટ હોમ રેસીડેન્સી ખાતે પહોંચેલી વાંસદા પોલીસે રાજસ્થાની મજૂરોને મળી તેમની પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટર માંગીલાલ ખરેખર અત્યાચાર કરતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગંગુબેનના મજૂરીના 15 હજાર રૂપિયા, લક્ષ્મીબેનના 6,140 રૂપિયા, ગોવિંદના 2570 રૂપિયા અને જીગ્નેશના 65 હજાર રૂપિયા બાકી નીકળતા હતા. જેથી પોલીસે કોન્ટ્રાક્ટર માંગીલાલ સામે કાર્યવાહી કરી મજૂરોને તેમની મજૂરીના બાકી નીકળતા રૂપિયા અપાવ્યા, સાથે જ તેમના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. જ્યારે મજૂરો પોતાના વતન જવા માંગતા હોય સાંસદ ધવલ પટેલે તેમને વતન મોકલવા માટેની પણ વ્યવસ્થા કરી આપી હતી. મજૂરોને જ્યારે સાંસદ ધવલ પટેલે મદદ કરી હોવાની જાણ થઈ, તો તેમણે સાંસદનો દિલથી આભાર માન્યો હતો.

સાંસદ ધવલ પટેલે વાંસદામાં બીજી વાર નિસ્વાર્થ ભાવે આદિવાસીઓ માટે મદદનો હાથ લંબાવ્યો

વલસાડના સાંસદ ધવલ પટેલ વલસાડ લોકસભામાં આવ્યા બાદ તેમણે સ્થાનિક સમસ્યાનું સમાધાન લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં પણ મૂળ વાંસદાના દીકરા હોવાથી વાંસદા તેમના દિલના નજીક રહ્યું છે. થોડા સમય અગાઉ પણ વાંસદાના એક આદિવાસી યુવાનને હોસ્પિટલમાં આર્થિક મદદની જરૂર હતી, જેની ધવલ પટેલને જાણ થતા તેમણે હોસ્પિટલમાં લાખોના બીલમાં માફી અપાવી હતી. જ્યારે આજે વાંસદાની જ કન્સ્ટ્રકશન સાઈટમાં ફસાયેલા આદિવાસી મજૂરો ભોજન મેળવવા માટે વલખા મારતા હોવાની જાણ થતા જ તેમને તરત પોલીસ મોકલી પ્રથમ ભોજનની વ્યવસ્થા કરાવી અને તેમના બાકી નીકળતા મજૂરીના રૂપિયા પણ અપાવ્યા હતા. નિસ્વાર્થ પણે ધવલ પટેલે ત્વરિત કરેલી સેવાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Click to comment

Trending

Exit mobile version