અઠવાડિયાથી જૂથ પાણી યોજના અંતર્ગત પાણી નહીં મળતા ચોરમલાભાઠા અને કણીયેટના ગ્રામજનોમાં રોષ
નવસારી : નવસારીમાં દરિયા કાંઠાના બે ગામોમાં લાંબા સમયથી પાણી સમસ્યા રહી છે. જૂથ યોજના હેઠળ પીવાનું પાણી મેળવતા જલાલપોરના ચોરમલાભાઠા અને કણીયેટ બે ગામોમાં અઠવાડિયાથી પાણી ન આવતા, આજે ગામના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ પાણીના ખાલી બેડા સાથે પાની લેને આયે હૈ, પાની લેકર જાયેંગે, ના નારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હલ્લો મચાવ્યો હતો. સાથે જ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી, પાણી સમસ્યાના કાયમી સમાધાનની માંગણી કરી હતી.
” પાની લેને આયે હૈ, પાની લેકર જાયેંગે ” ના નારા સાથે કલેકટર કચેરીમાં નોંધાવ્યો વિરોધ
નવસારીના જલાલપોર તાલુકાના દરિયા કાંઠાના ચોરામલાભાઠા અને કણીયેટ ગામમાં જૂથ પાણી યોજના કાર્યરત છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષોથી આ ગામોમાં અનિયમિત પાણી આવવાથી ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. રોજિંદા કામકાજ માટે ગ્રામિણો દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ પીવાનુ શુદ્ધ પાણી તેમણે વેચાતું લેવાની નોબત છે. જેમાં છેલ્લા અઠવાડિયાથી ગામમાં રોટેશન પ્રમાણેનું પાણી ન આવતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી ન થવાને કારણે ગામની શાસન ધૂરા તલાટીના હાથમાં છે. વર્ષોથી પાણીની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆતો, છતાં પણ ચોરમલાભાઠા અને કણીયેટના ગ્રામજનોની વ્યથા સમજવા કોઈ તૈયાર નથી. ત્યારે આજે બંને ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ પાણીના ખાલી બેડા લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હલ્લો બોલાવ્યો હતો. અહીં મહિલાઓએ પાની લેને આયે હૈ, પાની લેકર જાયેંગે ના સૂત્રોચાર કરી કચેરી ગજવી મુકી હતી. જ્યારે ગામના આગેવાનોએ જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર આપી વર્ષોની પાણી સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ કરી છે.
જુથ પાણી યોજના હેઠળ બંને ગામોને મળે છે પાણી, પણ રોટેશન લંબાતા મુશ્કેલી
નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં જૂથ પાણી યોજનાઓ થકી પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં એક જૂથમાં ચારથી પાંચ ગામોને આવરી લઈ તેમને રોટેશન પ્રમાણે પાણી આપવામાં આવતું હોય છે. જલાલપોરના ચોરમલાભાઠા અને કણીયેટ ગામને પનારથી પાણી મળે છે. પરંતુ પનાર અને ચીજગામને વ્યવસ્થિત પાણી મળી રહે છે અને ચોરામલાભાઠા અને કણીયેટ ગામને ચાર પાંચ દિવસે અથવા ક્યારેક અઠવાડિયે પાણી મળે છે. જે 20 થી 25 મિનિટ જ આવતું હોવાથી મહિલાઓની સ્થિતિ કફોડી બને છે. ત્યારે જિલ્લા તંત્ર પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે એવી માંગ ઉઠવા પામી છે.
બે દિવસથી પાણી નથી મળતું, અઠવાડિયાની વાત ખોટી – અધિક કલેક્ટર
નવસારીના દરિયા કાંઠાના બે ગામોના લોકો અઠવાડિયાથી પાણી મળતું ન હોવાની ફરિયાદ સાથે જિલ્લા અધિક કલેકટરને મળ્યા હતા. ગ્રામજનોની રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને મોકલી બંને ગામોમાં તપાસ કરાવ્યા બાદ અધિક કલેકટર કેતન જોષીએ બંને ગામોમાં બે દિવસથી પાણી નહીં મળતું હોવાની વાત સ્વિકારી હતી. જ્યારે ગ્રામજનોની અઠવાડિયાથી પાણી મળતું ન હોવાના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. સાથે જ પનાર ગામના સંપમેન દ્વારા વાલ ખોલી નાંખવાને કારણે બે દિવસથી પાણી મળ્યું ન હતુ. એક હાઈસ્પીડ મોટર નાંખવાની સૂચના આપી છે, જેથી ફોર્સમાં ફેર પડશે, હાલ રાબેતા મુજબ પાણી મળી રહ્યું છે હોવાની કેફિયત રજૂ કરી હતી.