ટ્રેલર ચાલક બીલ કે અન્ય દસ્તાવેજ બતાવી ન શકતા નવસારી LCB એ કરી ધરપકડ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે. જેમાં નવસારી LCB પોલીસે બાતમીને આધારે હાઇવે પર દુવડા ગામ નજીક ફિલ્ડિંગ ગોઠવી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રેલરમાં ગેરકાયદે વહન થતા 23.33 લાખના લોખંડના સળિયા સાથે ચાલકની ધરપકડ કરી હતી.
લાખોના સળિયા માનોરના ગોડાઉનની ભર્યા હતા અને અમદાવાદ લઈ જવાતા હતા
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ આજે નેશનલ હાઇવે નં. 48 ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન LCB ના HC નયન હનુભા અને PC ગોવિંદ રાજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક સફેદ રંગની કેબીન ધરાવતું ટ્રેલર, મહારાષ્ટ્રના મનોર સ્થિત ગોડાઉનમાંથી લોખંડના સળિયા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે. જેના આધારે પોલીસે હાઇવે પર દુવાડા ગામ નજીક ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળુ રાજસ્થાની નંબર પ્લેટ ધરાવતું ટ્રેલર આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રેલરમાં પાછળના ભાગે 23,33,920 રૂપિયાના 40,240 કિલો લોખંડના સળિયા ભર્યા હતા. જેથી પોલીસે ટ્રેલર ચાલક અને રાજસ્થાનના શાહપુરા જિલ્લાના બાસેડા ગામના બાલકિશન વૈષ્ણવની પાસે સલિયાના બીલ, વહન માટે જરૂરી ઈ વે બીલ સહિતના જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા ચાલક બાલકિશન આપી શક્યો ન હતો. જેથી છેતરપીંડી અથવા ચોરીથી લોખંડના સળિયા ભર્યા હોવાનું અનુમાન લગાવી નવસારી LCB પોલીસે IPC ની ધારા 41 (1) ડી હેઠળ ચાલક બાલકિશન વૈષ્ણવની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી લાખોના સળિયા, 25 લાખનું ટ્રેલર અને 5 હજારનો એક મોબાઈલ મળી કુલ્લે 48.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, આગળની તપાસને વેગ આપ્યો છે.