ચોમાસામાં પૂરની સ્થિતિને ટાળવા ડ્રેનેજ વિભાગ દ્વારા આગોતરૂ આયોજન
નવસારી : નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ઉપર દેવધા ગામે બનેલા ડેમના 40 દરવાજાઓને આજે ડ્રેનેજ વિભાગ દ્વારા ચોમાસામાં પૂરની સ્થિતિને ટાળવા અને ઉપરવાસમાં પડેલા વરસાદ, પાણીની આવકને ધ્યાને લઇ ખોલી દેવામાં આવ્યા હતા. જેની સાથે જ નદી કિનારાના 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડેમના 22 કિમી વિસ્તારમાં 6.44 MCM પાણી સંગ્રહિત રહે છે
ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે અને નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પ્રારંભે જ સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નદીઓમાં નવા નીર આવતા બંને કાંઠે વહેવા માંડી છે. નવસારી જિલ્લાની લોકમસ્તાઓમાં મહત્વની એવી અંબિકા નદીમાં પણ પાણીની આવક વધી છે. ત્યારે ગણદેવી તાલુકાના દેવધા ગામે ગણદેવી, બીલીમોરા શહેર અને 29 ગામોને પાણીની સમસ્યા ન રહે એ હેતુથી અંબિકા નદી ઉપર ડેમ બનાવાયો હતો. ડેમમાં 22 કિલોમીટર સુધીના વિસ્તારમાં 6.45 MCM શુદ્ધ પાણી સંગ્રહિત રહે છે, જે આખું વર્ષ બે શહેર અને 29 ગામડાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે છે. નદીમાં પાણી રહેતા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ ઘટતા નથી, નજીકની પનિહારી અને વેંગણીયા નદી પણ ભરેલી રહે છે. જેથી દેવધા ડેમ ગણદેવી માટે આશિર્વાદરૂપ છે. પરંતુ વરસાદી માહોલમાં નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય એવા ઉદ્દેશ્ય સાથે ચોમાસાના પ્રારંભે ડ્રેનેજ વિભાગ દ્વારા દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવે છે. આજે સવારે પણ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેરની ઉપસ્થિતિમાં દેવધા ડેમના 40 દરવાજાઓને ક્રેનની મદદથી ખોલી કાઢવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખુલતા જ નદીમાં સંગ્રહિત થયેલું પાણી પૂરા ફોર્સ સાથે વહેવા માંડતા આહ્લાદક દ્રશ્યો સર્જ્યા હતા. જ્યારે ભારે વજન ધરાવતા દરવાજાને ડેમથી કાઢી વ્યવસ્થિત જગ્યાએ મુકવામાં આવ્યા છે. જ્યારે 40 દરવાજા ખોલતાં જ અંબિકાના કિનારાના 29 ગામોને એલર્ટ કરાયા છે, જેથી પાણીને કારણે કોઈ સ્થિતિ બગડે, તો તરત રાહત કામગીરી કરી શકાય. જોકે દરવાજા ખોલ્યા બાદ પણ ડેમમાં 1.75 MCM શુદ્ધ પાણીનો જથ્થો સંગ્રહિત રહે છે, જેથી કેચમેન્ટ વિસ્તારમાં પાણીની સમસ્યા નથી રહેતી.