વિદેશી દારૂ ભરાવનાર અને મંગાવનાર બંને વોન્ટેડ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી રોજના અનેક તિકડમ લગાવી લાખોના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. ત્યારે આજે ચીખલી પોલીસે મળેલી બાતમીને આધારે હોંડ ગામ પાસેથી એક ઇકો કારમાંથી 76 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ આરંભી છે.
પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત કુલ 2.81 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસની ટીમ આજે નેશનલ હાઇવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન PC લલિત રત્ના અને PC અલ્પેશ ધરમશીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક વલસાડ પાસીંગની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જનાર છે. જેને આધારે પોલીસે હાઇવે પર ચીખલીના હોંડ ગામ પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા, કારમાંથી 76,800 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની કુલ 492 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ગામે રહેતા 26 વર્ષીય રામેશ્વર ઉર્ફે બાબુ મુન્નીલાલ જયસ્વાલની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વાપીના નામધા ગામના પીયુ રાકેશ પટેલે ભરાવી આપ્યો હતો, જેને સુરતના પલસાણા ખાતે રહેતા નરેશ જયસ્વાલને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે પીયુ પટેલ અને નરેશ જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 2 લાખ રૂપિયાની કાર, 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 2.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, ચીખલી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસને વેગ આપ્યો છે.