નવસારી શહેર સહિત ગણદેવી પંથકમાં પણ વરસાદી ઝાપટા, ખેડૂતોના ચહેરા ખીલ્યા
નવસારી : હવામાન વિભાગની આગાહી બાદ પણ છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં વરસાદ હાથતાળી આપી જતો હતો. પરંતુ આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ બન્યો હતો. સવારે ગણદેવી પંથકમાં વરસાદ વરસ્યા બાદ નવસારી શહેરમાં પણ મેઘાની પધરામણી થતા શહેરીજનોને આકરા બફારાથી રાહત મળી હતી. ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પાણી પાણી થવા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના ખાબોચિયાં પણ ભરાયા હતા.
સમાન્ય રીતે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જ ચોમાસાની વિધિવત શરૂઆત થાય છે. પરંતુ હવામાનમાં વધેલી ગરમીને કારણે ઋતુચક્ર પ્રભાવિત થઈ રહ્યું છે. જેને કારણે ચોમાસુ દરવાજો ખખડાવતુ હતું, પણ વરસાદ હાથતાળી આપી રહ્યો હતો. શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા બાદ સવારથી ભારે ઉકળાટ અનુભવાતો હતો. જોકે હવામાન વિભાગે નવસારીમાં વરસાદ પડશેની આગાહી કરી હતી. જે આજે સાચી ઠરી હતી, સવારથી આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયુ હતું અને વરસાદ પડે એવી સંભાવના બની હતી. જેમાં સવારે ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બપોરે 12 વાગ્યા આસપાસ નવસારી શહેરમાં મેઘરાજા પોતાની સવારી લઈ પધારતા શહેરીજનોને આકરા તાપ અને બફારાથી રાહત મળી હતી. ધોધમાર વરસાદ વરસતા ઘણા લોકોએ વરસાદથી બચવા વૃક્ષો અને દુકાનોના ઓટલાઓનો સહારો લીધો હતો. જ્યારે ઘણાએ પહેલા વરસાદની મજા પણ માણી હતી. જ્યારે વરસાદથી શહેરના રસ્તાઓ પાણી પાણી થવા સાથે જ અનેક ઠેકાણે વરસાદી પાણીથી ખાબોચિયાં ભરાયાં હતાં.
ખેડૂતોને વાવણી લાયક વરસાદની આશા
નવસારીના મુખ્ય પાકોમાં એક ડાંગર પણ છે. ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ડાંગરની વાવણી માટે ધરૂ તૈયાર કરતા હોય છે. પરંતુ વરસાદની હાથતાળીથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જોકે છેલ્લા થોડા દિવસોથી ઝરમર કે ઝાપટા સ્વરૂપે આવતા વરસાદથી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો હતો. આજે બુરે 12 થી 2 વાગ્યા સુધીના બે કલાકમાં વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો નવસારી તાલુકામાં 22 મિમી અને જલાલપોર તાલુકામાં 21 મિમી વરસાદ નોંધાયો હતો. જેથી નવસારીના ખેડૂતોના ચહેરા પણ ખીલ્યા છે, સાથે જ હવે વાવણી યોગ્ય વરસાદ પડે એવી આશા સેવી રહ્યા છે.