ઘટના સ્થળે પહોંચેલી ખેરગામ પોલીસે, ભિક્ષા માંગવા આવેલા સાધુઓની તપાસ કરી, છોડી મુક્યા
નવસારી : સોશ્યલ મીડિયાના માધ્યમથી બાળકો ચોરતી ગેંગ ફરતી હોવાના મેસેજ ઘણીવાર વાયરલ થાય છે. જેમાં ભિક્ષુક જેવા દેખાતી વ્યક્તિઓ સામે લોકો શંકા રાખતા હોય છે, જેમાં લોકોના રોષનો ભોગ પણ આવી વ્યક્તિઓ બની જતી હોય છે. આવું જ કંઇક આજે નવસારીના ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે બન્યુ હતુ. અહીં બપોરના સમયે ગામમાં ભિક્ષા માંગવા ફરી રહેલા ત્રણ સાધુઓને બાળકો ઉઠાવી જનારી ટોળકી સમજી લોક ટોળાએ માર માર્યો હોવાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાની એરણે ચઢ્યો હતો. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ખેરગામ પોલીસે સાધુઓ અને લોકોની તપાસ કર્યા બાદ બંને પક્ષે કોઈ ફરિયાદ ન મળતા, સાધુઓને છોડી મુક્યા હતા.
ત્રણેય સાધુઓને માર મારતો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
મળતી માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે આજે બપોરે મુળ બનાસકાંઠાના રહેવાસી ત્રણ આધેડ વયના સાધુઓ ભિક્ષા માંગવા ફરી રહ્યા હતા. પરંતુ ગામમાં એક ઘર આગળ રમી રહેલા બાળકો સાધુઓને જોઇ ગભરાઇ ગયા હતા અને રડતા રડતા ઘરે ગયા હતા. પરિવારે રડવાનું કારણ પૂછ્યુ તો, બાળકોએ સાધુઓને જોયા હોવાની વાત કરતા, બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો ભેગા થયા હતા. સાથે જ સાધુઓને ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા જેવા સવાલો પૂછીને ટોળુ તેમના ઉપર તૂટી પડ્યુ હતું. લોકટોળાને હાથે ચઢેલા સાધુઓને માર પડ્યો હતો અને સ્થાનિકોએ સાધુઓને માર મારતા મોબાઇલ વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાની જાણ થતા જ ખેરગામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સાધુઓને અટકમાં લીધા હતા અને તેમની કડકાઇથી પૂછપરછ કરતા તેઓ દરવર્ષે ચોમાસા આસપાસ નવસારી જિલ્લામાં આવે છે અને ચીખલી ખેરગામના ગામડાઓમાં ફરી ભિક્ષા માંગે છે. મુળ બનાસકાંઠાના આ સાધુઓની વાતો અને તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહીં હોવાનું જાણ્યુ હતું. સાથે જ ગ્રામજનો દ્વારા સાધુઓ વિરૂદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. બીજી તરફ માર ખાનારા સાધુઓએ પણ માર મારનારા લોકો સામે કોઈ ગુનો નોંધાવવાની ના પાડી હતી. જેથી પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધી, ત્રણેય સાધુઓને છોડી મુક્યા હતા.
સદ્દનસીબે સાધુઓને વધુ વાગ્યુ નહીં, ટોળાને જોતા મોબ લીન્ચિંગની વાતો વહેતી થઇ
ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે ત્રણ સાધુઓ બાળકોને ઉઠાવી જનારી ટોળકી હોવાની વાતે ગ્રામજનોના ટોળાએ પ્રથમ સાધુઓને અટકાવ્યા અને બાદમાં ટોળાએ સાધુઓને માર માર્યો હતો. લોક ટોળાના રોષનો ભોગ બનેલા સાધુઓને સદ્દનસીબે વધુ વાગ્યુ ન હતુ. જોકે સાધુઓને માર મારતો વીડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થતા ઢોલુંબરમાં મોબ લીન્ચિંગની ઘટનાની વાતો વહેતી થઇ હતી. પરંતુ પોલીસ તપાસમાં સાધુઓને વધુ વાગ્યુ ન હોવાનું ખુલ્યા બાદ બંને પક્ષે કોઈ ફરિયાદ ન થતા, મોબ લીન્ચિગની વાતનો છેદ ઉડી ગયો હતો.