નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ
નવસારી : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં અનેક જરૂરીયાતો છે, વિદ્યાર્થીઓ માટે સરકારી શાળામાં ઓરડા નથી, જેની સાથે જ ઘણી શાળાઓમાં એક જ શિક્ષક છે, રાજ્યની સરકારી શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે, જેને પુરવામાં આવતી નથી. જેથી રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા કરવા કરતા સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા સાથે અન્ય સુવિધાઓ પુરી પાડે એવી માંગ સાથે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.
ગુજરાત સરકાર આવતી કાળ 26 જુનથી રાજ્યમાં 21 મો શાળા પ્રવેશોત્સવ ઉજવવા જઈ રહી છે, ત્યારે એ પૂર્વે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. જેમાં તેમણે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સાથે જ અન્ય સુવિધાઓના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજ્યની 1606 સરકારી શાળાઓ ફક્ત 1 જ શિક્ષકથી ચાલે છે, 14,652 શાળાઓમાં એક જ વર્ગખંડમાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજ્યની અંદાજે 38 હજાર શાળાઓમાંથી ઓછી સંખ્યાના નામે 5612 શાળાઓને મર્જ અથવા બંધ કરી દેવામાં આવી છે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31 માર્ચ 2023 ની પરિસ્થિતિએ ફક્ત 11 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી, જયારે તેની સામે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતની 2574 સરકારી શાળાઓમાં જર્જરિત ઓરડાઓ છે, જયારે 7599 સરકારી શાળાઓમાં આજે પણ પતરાની છત છે. સાથે જ રાજ્યમાં ટેટ 1 અને 2 તેમજ દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરનાર 3.83 લાખ શિક્ષકો છે. સરકાર દ્વારા વર્ષ 2022 માં ટેટ 1 પાસ થયેલા 2300 અને ટેટ 2 પાસ થયેલા 3378 શિક્ષકોની ભરતી કરવામાં આવી, જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં કોઈ ભરતી થઇ ન હતી. 2023 માં તો એક પણ ક્ષેત્રમાં શિક્ષકોની ભરતી થઇ નથી, જેની સામે રાજ્યમાં 32 હજાર શિક્ષકો અને 38 હજાર ઓરડાઓની જરૂર છે, ત્યારે સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફાઓ બંધ કરી, શિક્ષકોની અછત દૂર કરે અને શાળાઓમાં અન્ય સુવિધાઓ પુરી પાડે એવી માંગણી કરવામાં આવી છે.