નવસારી બાર એસોસિએશન દ્વારા અધિક કલેકટરને આપ્યું આવેદન
નવસારી : ગુજરાતની વિવિધ અદાલતોમાં કાર્યરત વકીલો ઉપર થતા હુમલા અને તેમની સામેની હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવાની માંગ સાથે આજે નવસારી જિલ્લા બાર એસોસિએશનના આગેવાનોએ અધિક કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી અને કાયદામંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
નવસારીમાં પણ વકીલો ઉપર હુમલા અને ધમકીઓ મળ્યાની ઘટનાઓ
ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોમાં અંદાજે 1.50 લાખથી વધુ વકીલો કાર્યરત છે. ન્યાય પ્રણાલીમાં કામ કરતા વકીલોને તેમના વિવિધ કેસો દરમિયાન અસીલ કે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા તેમના પ્રત્યે દ્વેષ રાખી ક્યારેક હુમલો કરવામાં આવે છે અથવા તેમની સામે હિંસક પ્રવૃતિઓ પણ થતી રહે છે. વકીલોને ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવે છે અને ક્યારેક તો તેમના પરિવાર ઉપર પણ નજર રાખવામાં આવે છે. ભૂતકાળમાં રાજ્યમાં વકીલો ઉપર હુમલાની ઘટના સામે આવી છે, સુરતમાં વકીલની હત્યા કરવામાં આવી હતી. જયારે નવસારીમાં પણ કોર્ટ પરિસરમાં જ વકીલ ઉપર હુમલા થયા છે અને તેમને ધમકી પણ મળ્યાની ઘટનાઓ બની છે. ત્યારે ન્યાય પ્રણાલીના અભિન્ન અંગ એવા વકીલો અને તેમના પરિવારજનોને સુરક્ષા મળે એ હેતૂથી આજે સમગ્ર રાજ્યના વકીલ મંડળો દ્વારા સંયુક્ત રીતે એક જ સમયે જિલ્લા સ્તરે આવેદનપત્ર આપી, રાજ્ય સરકારના કાયદા મંત્રી અને મુખ્યમંત્રી સુધી તેમની રજૂઆત પહોંચાડવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર વહેલી તકે વિધાનસભામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ (વકીલ સુરક્ષા અધિનિયમ) પસાર કરી, તેને લાગુ કરે એવી માંગ કરવામાં આવી છે.
ખાસ આ ત્રણ માંગણીઓ કરવામાં આવી..
વકીલોના વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું, વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઇપણ પ્રકારની હિંસા કે દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા આપવી અને વકીલ અને તેના પરિવાર ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈની માંગ કરવામાં આવી છે.