અમીન મારામારીના ગુનામાં નાસતો ફરતો હતો, LCB એ ઝડપી પાડ્યો
નવસારી : બીલીમોરા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોથી મારામારી, હત્યા જેવા ગંભીર ગુનાઓનો આરોપી અમીન શેખ લાંબા સમયથી મારામારીના ગુનામાં વોન્ટેડ હતો, જેને નવસારી LCB પોલીસે બાતમીને આધારે આજે બીલીમોરાથી ઝડપી પાડ્યો હતો.
હત્યા, મારામારી, ધમકી, તોડફોડ જેવા ગુનાઓમાં રીઢો ગુનેગાર છે અમીન શેખ
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ અનેક ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યરત હતી. જેમાં આજે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચના PC ગોવિંદ રાજા અને PC અવિનાશસિંહ જગજીતસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, બીલીમોરાની તીસરી ગલીનો રહેવાસી અને મારામારી, ધમકી, તોડફોડ, હત્યા જેવા ગુનાઓમાં રીઢો ગુનેગાર અને બીલીમોરા પોલીસ મથકમાં મારામારીનો આરોપી અમીન અનવર શેખ તેના ઘરે હાજર છે. જે બાતમીને આધારે નવસારી LCB પોલીસની ટીમે અમીનના ઘરે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. સાથે જ તેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે બીલીમોરા પોલીસને સોંપ્યો છે. ઉલ્લેખનિય છે કે અમીન શેખ સામે વર્ષ 2015 થી 2021 સુધીમાં મારામારી, ધમકી અને હત્યા સહિતના કુલ 9 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.