વિવાદને કારણે મકાન બાંધવા ખોદેલા ખાડા ખુલ્લા પડ્યા હતા
નવસારી : નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઘેલખડીના રામનગર 1 માં બે મહિના પહેલા મકાન બાંધવા ખોદેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબી જતા બે વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતુ. વિવાદને કારણે ખાડા ખોડ્યા બાદ મકાનનું બાંધકામ શરૂ થયું ન હતુ અને ખાડા ખુલ્લા જ રાખવામાં આવ્યા હતા.
માસુમ રૂદ્ર રમતા રમતા ખાડા નજીક પહોંચ્યો અને આગળ વધતા જ ડૂબી ગયો
મળતી માહિતી અનુસાર, નવસારીના ઘેલખડીના રામનગર 1 માં રહેતો પીન્ટુ રામબહાદૂર પાલ (26) સાથે તેની બહેન પ્રિયંકા પણ રહે છે. પ્રિયંકાનો બે વર્ષીય પુત્ર રુદ્ર ગતરોજ ઘરના આંગણામાં રમી રહ્યો હતો. પરંતુ થોડા સમય બાદ અચાનક રુદ્ર આંગણામાં જણાયો ન હતો. જેથી ચિંતામાં મુકાયેલી તેની માતા પ્રિયંકાએ દીકરાની શોધખોળ આરંભી, પણ રુદ્રનો ક્યાંય પતો લાગતો ન હતો. પડોશી એ સચિન નોકરીએ ગયેલા પીન્ટુને જાણ કરતા પીન્ટુ પણ તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. દરમિયાન પીન્ટુના ઘરની સામે જ બે મહિનાથી મકાન બાંધવા માટે ખોદાયેલા ખાડામાં રુદ્ર બેભાન હાલતમાં જણાયો હતો. જેથી તાત્કાલિક પીન્ટુ તેમજ આસપાસના લોકોએ તેને બહાર કાઢી, નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રુદ્રને તપાસી મૃત જાહેર કર્યો હતો. વ્હાલા દીકરાના મોતથી પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. જ્યારે માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતુ. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.